
સાદાઈથી રહેવું અને જાતે કામ કરી લેવું, આ બંને બાબતોમાં બાપુને ખાસ પ્રયત્ન કરીને મનને તૈયાર કરવું પડ્યું હોય એવું નથી લાગતું. વિલાયતમાં તેઓ ભણતા હતા ત્યારે અન્નાહારી વીશીઓ શોધતાં શોધતાં ગમે તેટલે દૂર પગપાળા ચાલીને જતા. પાછળથી તેમણે પોતાની રસોઈ જાતે કરી લેવા માંડી. આ જાતે રસોઈ કરવાના પ્રયાસને કારણે જ વિલાયતમાં શ્રી કેશવરાવ દેશપાંડેને ને બાપુને દોસ્તી થયેલી. બંને મળીને થૂલી (પૉરિજ) બનાવતા.
બાપુ બેરિસ્ટર થઈ હિંદુસ્તાન આવ્યા ત્યારે પણ મુંબઈમાં પોતાને ઘેરથી કોર્ટ સુધી પગપાળા જતા.
દક્ષિણ આફ્રિકામાં તેમણે જોયું કે ગોરો હજામ પોતાના વાળ કાપવા તૈયાર નથી ત્યારે તેની ખુશામત કરવાને બદલે પોતાને હાથે જ જેમતેમ વાળ કાપી લીધા. કોર્ટમાં ગોરા બેરિસ્ટરે જ્યારે મજાક કરતાં પૂછ્યું કે, મિ. ગાંધી, તમારા વાળ ઉંદરે કાતરી ખાધા છે શું, ત્યારે બાપુએ આખો કિસ્સો કહી સંભળાવ્યો.
ત્યાર પછી તેમણે ટૉલ્સટૉય અને રસ્કિનનાં પુસ્તકો વાચ્યાં એટલે તેઓ સાદાઈ અને સ્વાવલંબન તરફ વધુ વળ્યા. ઝૂલુ યુદ્ધના દિવસોમાં એમ્બ્યુલન્સ કોરનું કામ લઈને જે કષ્ટ ઉઠાવવાં પડ્યા તેનું વર્ણન તેમણે આપ્યું જ છે. પણ એ આખો ઇતિહાસ રોમાંચક છે. માણસનું શરીર સહન કરી શકે તેથીયે વધારે કષ્ટ સહન કરી તેમણે એમ્બ્યુલન્સ કોરનું કામ કર્યું. એ જ દિવસોમાં તેમના મનમાં વિચાર સ્ફુર્યો કે જો માણસ આદર્શ સેવા કરવા માગતો હોય તો તેણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ટૉલ્સટૉયનું પુસ્તક વાંચતાં બ્રેડલેબર (રોટી માટે મજૂરી)નો વિચાર પણ તેમને ગમી ગયો. એમને ખાતરી થઈ કે શરીરને જીવતું રાખવા જેણે અન્ન ખાવું છે, ટાઢતડકાથી બચવા માટે જેણે વસ્ત્ર પહેરવાં છે તેણે અન્નવસ્ત્રના ઉત્પાદનમાં કાંઈ ને કાંઈ ભાગ લેવો જ જોઈએ. હરિજનોનાં દુઃખ દૂર કરવાં હોય તો ઝાડોપેશાબ સાફ કરવાનું કામ પણ હાથે કરવું જોઈએ, અને એ કામમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દાખલ કરી સફાઈના કામને ઉચ્ચ આદર્શ સુધી લઈ જવું જોઈએ. આ બધું તેઓ સમજ્યા એટલું જ નહીં બધાનો અમલ કરવાનું પણ તેમણે શરૂ કરી દીધું.
સને ૧૯૧૭માં બાપુ ચંપારણ ગયા. ત્યાં તેમણે ખેડૂતોનાં નિવેદનો લેવા માંડ્યા ત્યારે બિહારના અનેક વકીલો તેમની મદદમાં આવી પહોંચ્યા. શ્રી રાજેન્દ્રબાબુ, બ્રજબાબુ, વગેરે બધા તે સમયના બાપુના સાથીઓ છે. બાપુએ એ સૌને પોતાની સાથે રહેવા કહ્યું. બાપુનો ઉતારો એક પ્રકારનો આશ્રમ બની ગયો. તેનું ખર્ચ આ બધા વકીલો આપતા હતા. પણ આ આશ્રમ એક કંજૂસ વાણિયાનો રહ્યો. દરેક બાબતની તપાસ થતી. એક વાર ઘણી મોંઘી કેરી આશ્રમમાં આવી એટલે સૌને સંભળાવવામાં આવ્યું કે આ જાતનું ખર્ચ અહીં નહીં થાય. કેરી સસ્તી થાય ત્યારે મંગાવવી. પછીથી કપડાં પણ હાથે ધોઈ લેવાનું ફરમાન કાઢવામાં આવ્યું. આ બધું કરવામાં બાપુનો સિદ્ધાંત એવો હતો કે પૈસા ભલે વકીલો આપતા હોય પણ આપ્યા એટલે એ જનતાના થયા. એ પૈસા આપણે ગરીબ અને પીડિત રાષ્ટ્રના પ્રતિનિધિની ઢબે જ ખર્ચવા જોઈએ.
આમ, સામાન્ય સંજોગોમાં બાપુ ગરીબાઈની રહેણીકરણીનો ગમે તેટલો આગ્રહ રાખે પણ કોઈ માંદું પડ્યું હોય તો તેને ગમે તેટલાં મોંઘાં ફળ લાવી આપતા હતા. કોઈ કોઈ વાર તો માંદા માણસને મહિનાઓ સુધી કેવળ ફળોના રસ પર રાખતા હતા.
- કાકાસાહેબ કાલેલકર