હોમ
શ્યામજી કૃષ્ણવર્મા
-
ક્રાંતિવીર, કચ્છનું રતન અને પહેલા ગુજરાતી ઉદ્દામવાદી નેતા શ્યામજીનો જન્મ તા. ૪-૧૦-૧૮૫૭માં કચ્છ-માંડવીના એક ગરીબ કુટુંબમાં થયો હતો. પ્રખર બુદ્ધિમત્તા દાખવી અભ્યાસ માટે મુંબઈ જઈ તેમણે સંસ્કૃત અને અંગ્રેજીમાં ભારે નૈપુણ્ય મેળવ્યું. દરમિયાન સ્વામી દયાનંદના સંસર્ગમાં આવી દેશભક્તિ અને આર્યસમાજના રંગે રંગાયા. તેમણે શ્યામજીને વિદેશ જઈ, સ્વરાજની લડતના શ્રીગણેશ કરવા પ્રેર્યા. વિદેશ જઈ હડધૂત થતા હિંદી વિદ્યાર્થીઓ માટે ‘ઈન્ડિયા હાઉસ’ શરૂ કર્યું. એટલું જ નહિ, ‘ઈન્ડિયા સોશિલોજિસ્ટ’નામ પત્ર કાઢી ભારતમાં બ્રિટીશ અમલ વિરૂદ્ધ લેખો લખ્યા. મહાત્મા ગાંધી, ગોપાલકૃષ્ણ ગોખલે, બિપીનચંદ્ર પાલ, શ્રીમતી એની બેસન્ટ જેવા અસંખ્ય મોટા દેશનેતાઓની કાર્યશૈલીના તેઓ તીખા ટીકાકાર હતા. તેમણે દેશભક્તો પેદા કરવાનું અને ઘડવાનું કામ પણ કર્યું હતું. ઉપરાંત ભારતના ક્રાંતિકારોને પ્રેરણા તથા આર્થિક સહાય આપવામાં જરાય પાછી પાની કરી નહોતી. સાવરકરના કાનૂની બચાવ માટે તેમણે કરેલી મદદ તો અજોડ ગણાય છે. આખર સુધી લડતાં લડતાં ઈ.સ. ૧૯૩૦માં તેમણે જિનીવામાં દેહ છોડ્યો. હવે જ્યારે દાયકાઓ પછી શ્યામજી અસ્થિ સ્વદેશ આવ્યા ત્યારે આપણાં મનમાં દેશ માટે તેમણે આપેલા ત્યાગ માટે અહોભાગ્યની લાગણી જ હોય શકે. માતૃભૂમિના આ પનોતા પુત્રને ભીની આંખે વંદના કરવા સિવાય આજે તો કશું જ સૂઝતું નથી.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com