
"ગાંધીજી નહીં હોય ત્યારે આ જગતને એ વાતનું આશ્ચર્ય થશે કે ખરેખર આ પૃથ્વી ઉપર આવો કોઈ માનવી જન્મ્યો હતો." વિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈનને આ વાત જેના માટે કહી હતી તે મહાત્મા ગાંધીજીનું જીવન અને સંદેશ પૃથ્વી પર માનવજાતનું અસ્તિત્વ હશે ત્યાં સુધી સૌને પ્રેરણા આપતાં રહેશે.
પરંતુ આપણે એ જાણીએ છીએ કે ગાંધીજીને પ્રેરણા આપનાર વિભૂતિ કોણ હતી. એક હતા રસ્કીન જેઓએ કહ્યું હતું કે "અસત્ય બોલવાની મુખ્યવાત આત્મવંચનામા છે શબ્દોમાં નથી. આંખથી, કડવીભાષાથી, એક શબ્દ પર વજન આપીને, વાક્યને વિશેષ અર્થ મળે તેવા આંખના ઇશારાથી અસત્ય બોલી શકાય છે. "
આ તમામ બાબતો અસત્ય કરતા ઘણીબધી ગણી ખોટી અને નીચ છે. રસ્કીનના આ વાક્યને જાણે ગાંધીજીએ આત્મસાત કર્યું હતું.
રાષ્ટ્રીયતા ગાંધીજીના ચરિત્ર અને વ્યક્તિત્વ ઘડતરમાં યોગનિષ્ટ જગત દિવાકર શ્રીમદ રાજચંદ્રનો પ્રગાટ પ્રભાવ રહ્યો હતો. ગાંધીજીએ સુ્ક્ષ્મ ગુણગ્રાહ્ય દ્રષ્ટિથી શ્રીમદ્જીના જીવન વ્યવહારમાંથી ઘણી ગુણસમૃધ્ધિ આત્મસાત કરી લીધી હતી. રાજચંદ્રજી સાથે ગાંધીજીનો બહોળો પત્ર વ્યવહાર હતો.
ગાંધીજી કરતા પોણા બે વર્ષ મોટા રાજચંદ્રજી તેમના ગુરુ સ્થાને હતાં. શ્રીમદ્ સાથે તેમનો મેળાપ ૧૮૫૧માં થયો. રસ્કીનના વિચારો તેમણે ૧૯૦૪માં વાંચ્યા. અને ૧૯૧૦માં ટોલ્સટોય સાથે પત્ર વ્યવહાર થયો. આમ ૧૯૦૪ પહેલા ગાંધીજીના જીવન પર રાજચંદ્રજીનો જ પ્રભાવ જોવા મળે છે. ૧૯૦૪માં રસ્કિનનું ‘અન ટુ ધિસ લાસ્ટ‘ પુસ્તક વાંચ્યું અને તેમાંથી સર્વોદયની ભાવનાનો ઉદય થયો. ગાંધીજીના જીવનનું પ્રેરકબળ અધ્યાત્મ છે. અને ગાંધીજીએ લખ્યું છે કે ‘આધ્યાત્મિક ભીડ‘ વખતે તેઓ શ્રીમદનો આશરો લેતા હતાં. તેમ નોંધ્યું છે. ગાંધીજીએ રાજચંદ્રજી વિશે લખ્યું છે કે, ‘તેમની તોલે આવે તેવો કોઈ આત્મજ્ઞાની પુરુષ તેમણે જોયો નથી.‘ શ્રીમદ્ રાજચંદ્રજીના દેહવિલય બાદ ગાંધીજીએ જણાવ્યું હતું કે, ‘તેઓના પુસ્તકો વાંચ્યા છે અને તેણે "મને સર્વોત્કૃષ્ટ શાંતિ આપી છે. જેઓએ કલેશ ટાળવો હોય અને પોતાનું કર્તવ્ય જાણવું હોય તેમણે શ્રીમદ્ રાજચંદ્રના લખાણો વાંચવા જોઈએ." આમ ગાંધીજીના આધ્યાત્મક ગુરુ તરીકે રાજચંદ્રજીનું મહત્વનું સ્થાન હતું.