
આપણે રામ, કૃષ્ણ, નરસિંહ વગેરે ભગવાનની પૂજા કરીએ છીએ પરંતુ હક્કિતમાં તે ભગવાન શ્રી વિષ્ણુના જ અવતારો છે. બ્રહ્માજીએ તો સૃષ્ટિની રચના કરી દીધી, પરંતુ આ સમગ્ર સૃષ્ટિનું ચક્ર સતત વ્યવસ્થિત ચાલે તે જોવાની જવાબદારી શ્રી વિષ્ણુની છે એટલે જ તેમને સૃષ્ટિના પાલનકર્તા કહ્યા છે. આપણા વેદશાસ્ત્રો જુઓ કે રામાયણ, મહાભારત જેવા પૈરાણિક ગ્રંથોનું નિરીક્ષણ કરો, શ્રી વિષ્ણુ દરેકમાં છવાયેલા છે.
શ્રી વિષ્ણુના નામ પણ અપાર છે, હિરણ્યકશિપુ જેવા અસુરનો નાશ કરવા તેમણે નર અને સિંહનું સ્વરૂપ ધારણ કર્યુ તેથી તેઓ નરસિંહ કહેવાયા. પાણીને નાશ પણ કહેવાય છે. જયારે અયન એટલે રહેઠાણ કે નિવાસસ્થાન જેઓ પાણીમાં રહે છે એટલે કે નારાયણ તેથી જળને ભગવાનનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. પાણી મીઠું, મધુર તેમજ સૃષ્ટિ માટે અમૃત સમાન છે. તેના વગર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જ અશક્ય છે તેથી શ્રી વિષ્ણુએ તેને પોતાનું નિવાસ્થાન બનાવ્યુ અને પોતાનું સ્વરૂપ માન્યું. પાણીનું એક બીજુ પણ ખાસ લક્ષણ છે. તેને જેવા પાત્રમાં નાખો તેઓ આકાર ધારણ કરે છે, તે જ રીતે નિરાકાર ભગવાન પણ ઇચ્છા મુજબના અવતારો ધારણ કરે છે.
હક્કિતમાં ભગવાન શ્રી વિષ્ણુ મહાનતાનું પ્રતિક છે. તેના અવતારો, કાર્યો, રહેણીકરણી, પ્રતિકો તમામના ઘણા અર્થો થાય છે, અને તેમાંથી કંઈને કંઈ ભાવાર્થ મનુષ્ય માટે નીકળે જ છે. શ્રી વિષ્ણુ સૃષ્ટિ, જગતના પાલનકર્તા છે. છતાં તેઓએ દૂધ સાગરમાં નિંદ્રાધિન, આરામ કરતા, શાંત દર્શાવવામાં આવે છે. આપણો સંસાર પણ અંતે તો એક પ્રકારનો (ભવ) સાગર જ છે. આપણા જીવનમાં ગમે તેટલી વિટંબણાઓ, મુશ્કેલીઓ આવે તો પણ આપણે શ્રી વિષ્ણુની જેમ શાંત રહેવું જોઈએ. શ્રી વિષ્ણુએ શેષનાગને પોતાનું શયનસ્થાન બનાવેલ છે, અહિં શેષ એટલે બાકીનું, શ્રી વિષ્ણુની સંપૂર્ણ જીવસૃષ્ટિનું પાલન કર્યા પછી પણ શકિત બાકી રહે છે.
શ્રી વિષ્ ણુના નાભિમાંથી કમળ બ્રહ્માજી પ્રગટ થયા તેવી કથા પુરાણમાં છે. બ્રહ્માજીને આપણે સૃષ્ટિનું સર્જન કરનાર દેવ તરીકે ઓળખીએ છીએ. બ્રહ્માજીને સૃષ્ટિના નિર્માણ માટે જે કંઈ શક્તિઓની જરૂર હતી તે જેમ ગર્ભમાં રહેલા બાળકને તેની માતા દ્વારા નાભિમાંથી મળે છે, તે રીતે શ્રી વિષ્ણુએ બ્રહ્માજીને પોતાના નાભિ કમળમાંથી આપી હતી. વિષ્ણુ ભગવાનને આપણે લક્ષ્મીપતિ તરીકે પણ ઓળખીએ છીએ. લક્ષ્મીજીને સતત ભગવાનીન સેવા કરતા દર્શાવ્યા છે. આપણે જો લક્ષ્મી એટલે કે ધન સંપત્તિ, સુખ-સમૃધ્ધિ મેળવવી હોય તો તે માટે ભગવાન શ્રી વિષ્ણુને શરણે જવું જોઈએ.
આ ઉપરાંત શ્રી વિષ્ણુના ચક્ર, ગદા, કમળ તેમજ શંખને ચાર પુરૂષાર્થો ગણવામાં આવ્યા છે. જેમાં ચક્ર પ્રજા સંરક્ષણનું ગદાએ વિકારો ઉપર નિયંત્રણ મુકવાનું, કમળ દ્વારા ક્ષુદ્ર વગેરેને ભોગ વિલાસમાં રાચવાને બદલે સમાજ સેવા કરવાનો તેમજ શંખ ધર્મ અને સંસ્કૃતિનો ફેલાવો કરવાનું દર્શાવે છે, જયારે તેનું વાહન ગરૂડ સંકુચિતતા છોડીને મનને વ્યાપક બનાવવાનું સૂચવે છે. આવા શ્રી ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરી તેનું અનુસરણ કરી આપણા જીવનને ધન્ય બનાવીએ