શાંતિનિકેતનથી ગાંધીજી પોતાના મિત્ર ડૉ. મહેતાને મળવા બ્રહ્મદેશ ગયા. થોડા દિવસ પછી ત્યાંથી શાંતિનિકેતન પાછા આવ્યા. સ્વાવલંબી રસોડું ચલાવવાનો અમારો પ્રયોગ ચાલુ હતો. એટલામાં પૂનાથી ગોખલેજીના અવસાનનો તાર આવ્યો (ફેબ્રુઆરી ૧૯૧૫). ગાંધીજીએ તરત જ પૂના જવાનું નક્કી કર્યું. પહેલેથી ગોખલેજી
ગાંધીજીને હિંદ સેવક સમાજના સભ્ય થવાનું કહ્યા કરતા હતા, પણ ગાંધીજીએ નિર્ણય નહોતો કર્યો. હવે પોતાના રાજદ્વારી ગુરુના મૃત્યુ પછી તેમની અંતિમ ઇચ્છા ગાંધીજી માટે આજ્ઞા સમાન થઈ પડી. તેઓ પૂના પહોંચ્યા અને હિંદ સેવક
સમાજમાં દાખલ થવા તેમણે અરજી કરી.
અરજી જોઈ ગોખલેજીના બીજા શિષ્યો ગભરાઈ ગયા. એ આખો બનાવ નામદાર શાસ્ત્રીએ પોતાની બેનમૂન ભાષામાં બેત્રણ ઠેકાણે વર્ણવ્યો છે. અહીં એ ઉતારવાની જરૂર નથી. સાર એટલો જ કે એ બધા જાણતા હતા કે ગાંધીજીને આપણે હજમ નહીં કરી શકીએ. પણ ગોખલેજીની ક્રીડ (રાજકીય સિદ્ધાંત)ને જ ગાંધીજી
માનતા હતા. એ પરિસ્થિતિમાં તેમની અરજી નામંજૂર પણ કેમ થાય, એવી વિમાસણમાં
તેઓ પડ્યા. પરંતુ પરિસ્થિતિ સમજી લઈને ગાંધીજીએ જ પોતાની અરજી પાછી ખેંચી લીધી અને પોતાના ગુરુભાઈઓને ધર્મસંકટમાંથી ઉગાર્યા. છતાં સમાજની સભાઓમાં તેઓ
અવિધિસર હાજરી આપતા અને એ સંસ્થાને તેમણે વખતોવખત મદદ પણ ઘણી કરી.
ગોખલેજીના અવસાનના સમાચાર સાંભળતાંવેંત ગાંધીજીએ એક વરસ સુધી પગરખાં ન પહેરવાનું વ્રત લીધું. એ વ્રતને લીધે એમને ઘણી તકલીફ પડી પણ તેમણે એ બરાબર
પાળ્યું.
-કાકાસાહેબ કાલેલકર