ઘોડાના પગમાં નાળ (SHOE) જડવાની જરૂર શા માટે હોય છે?
ઘોડાના પગની ખરીમાં લોખંડની નાળ ખીલા ભોંકીને જડવામાં આવે છે તે અકુદરતી છે, કારણ કે ઘોડા જંગલી સ્થિતિમાં અથવા જંગલમાં મુકતપણે વિહરતા હોય છે ત્યારે તેમની ખરીને નાળ હોતી નથી કે જડવાની જરૂર હોતી નથી. પરંતુ માનવ-વસ્તીમાં રહેવાના કારણે તેના પગમાં નાળ જડવી જરૂરી બને છે, કારણ કે તેને ડામરના, સિમેન્ટના કે પથ્થરના બનાવેલા સખત રસ્તા ઉપર સતત ચાલવાનું હોય છે. જો આવી નાળ ન હોય તો તેના પગની ખરીઓ ઘસાઇ જાય.
તદુપરાંત એ પણ સંભવિત છે કે, સૂકા (ઘાસ કે ભીનાશ વગરના) રસ્તા પર ઘોડાને ચલાવવામાં કે હંકારવામાં આવે છે તેથી તેના પગની ખરીઓ ભીનાશના અભાવે સૂકી અને આજાર બની જાય છે. પ્રકૃતિના ખોળે વસવાટ કરતા ઘોડા દરરોજ, ઘાસ ઉપર છવાયેલી સવારની ઝાકળમાં પોતાના પગ ધુએ છે. તેમાં રહેલી ભીનાશ તેના પગની ખરીઓને ભીંજવે છે અને તંદુરસ્ત અને મજબૂત રાખે છે.
આમ છતાં ઘોડાના પગની ખરીમાં નાળ જડવાનું મુખ્ય કારણ તો સખત રસ્તા અને પથરાળ શેરીઓ જ છે. જ્યાં સુધી આવું રહેશે ત્યાં સુધી તેમને લોખંડની નાળની જરૂર રહેશે.