-
કલા શિક્ષણ લીધા વગર શ્રેષ્ઠ કક્ષાના ચિત્રકાર શિવ પંડ્યાનો જન્મ ઈ. ૧૯૨૮માં ખેડા જિલ્લાના વસો ગામમાં થયો હતો.નડિયાદમાં શિક્ષણ લીધા પછી ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્રમકળા શીખ્યા. અને કાર્ટૂનો પર પણ હાથ અજમાવવા લાગ્યા. શ્રી પંડ્યા ચિત્રલેખા, વંદેમાતરમ્, રમકડું વગેરે સામયિકોમાં ચિત્રો આપવા લાગ્યા. ‘રમકડું’ બાળ માસિકમાં તેમની ચિત્રવાર્તા ચીંચુકાકા ખૂબ લોકપ્રિય થઈ હતી. પછી અમદાવાદ આવીને સંદેશ, ગુજરાત સમાચાર તેમજ જનસત્તા દૈનિકમાં કાર્ટૂનીસ્ટ તરીકે કાર્ય કરતા હતા. ગુજરાતના કેટલાક સાહિત્યકારોના ઠઠ્ઠાચિત્રો પણ બનાવ્યા હતા. પ્રસંગચિત્રો, મુખપુષ્ઠ અને કાર્ટૂન એ ત્રિવિધ દિશામાં એમની પીંછીનું લાવણ્ય નીખરી ઊઠતું. તેમણે સુંદર કાવ્યોનું પણ સર્જન કર્યું હતું. જે એક કાવ્ય સંગ્રહરૂપે પ્રગટ થયો હતો. તેમના કાવ્યો કલ્પના સભર છે. કાવ્યો એવી શ્રેષ્ઠ કોટિના છે કે શિવ પંડ્યાને ‘ચિત્રકાર કવિ’ એમ સંબોધવા પડે ! તેઓ પેઈન્ટિંગ પણ એવી જ રીતે કુશળતાથી કરી શકતા. તેમનો કંઠ મધુર હતો. લોકગીતો ગાવાની તેમને સારી ફાવટ હતી. શિવભાઈ કહેતા “પીંછીને છેડે એક પતંગિયું બેઠું હોય છે. ક્ષણેક્ષણના એ રંગ પકડે છે અને ક્ષણ વીતી જતાં એ ઓચિતું જ ઊડી જાય છે” એમનો દિવ્યાત્મા પણ એમ જ ઓચિંતા ઊડી ગયો. તા. ૧૯-૭-૧૯૭૮ના રોજ એમની પીંછીના રંગ જાણે કે ઝાંખા પડી ગયા.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com