
૧૯૫૨માં બાપુને છ વર્ષની સજા થઈ અને તેમને યરવડા જેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં બે વરસની અંદર એમને એપેન્ડિસાઇટિસ‘ ?(આંતરડાનું દરદ) થયું. તેનું ઑપરેશન કરવાને સરકારે તેમને જેલમાંથી પૂનાની સાસૂન ઇસ્પિતાલમાં ખસેડ્યા. તેઓ ત્યાં કેદી તરીકે જ હતા પણ મુલાકાતની બાબતમાં બહુ સખતાઈ નહોતી. એ જ અરસામાં હું મારી એક વરસની સજા પૂરી કરી પૂના પહોંચી ગયો; ત્યાં જઈ જોયું તો બાપુ ઇસ્પિતાલમાં ઇસ્પિતાલનાં કપડાં પહેરીને ખાટલા પર સૂતા હતા. કપડાં વિલાયતી હતાં એ જોઈને વધારે નવાઈ થઈ. મેં એ વિશે પૂછતાછ કરી. તે પરથી ખબર પડી કે બાપુજી ઇસ્પિતાલના બધા નિયમોનું પાલન કરવા માગે છે. ઇસ્પિતાલનો એક નિયમ એવો હતો કે દરદી પોતાનાં કપડાં ન પહેરી શકે; તેણે ઇસ્પિતાલનાં જ કપડાં પહેરવાં જોઈએ.
ઑપરેશન થયું. બાપુ બહુ જ અશક્ત થઈ ગયા હતા. સૌ ચિંતાતુર હતા. આમ થોડા દિવસ ગયા. એક દિવસ કર્નલ મેડૉક આવીને બાપુને કહ્યું : ‘સરકારનો હુકમ આવ્યો છે. મને જણાવતાં આનંદ ગાય છે કે તમને છોડી મૂકવામાં આવ્યા છે. હવે આપની ઇચ્છા હોય તો અહીં રહો અને જવું હોય તો જઈ શકો. દાકતર તરીકે મારી સલાહ છે કે હજી થોડા દિવસ અહીં જ રહી જાઓ.‘ એ સલાહનો સ્વીકાર કરતાં બાપુ એકાદ વાક્ય બોલ્યા હશે. પણ તે જ વખતે પાસેના માણસને કહેવા લાગ્યા, ‘આ કપડાં ઉતારી નાખો ને મારાં પોતાનાં કપડાં લાવી આપો. હવે આ કપડાં એક ક્ષણને માટે પણ સહેવાતાં નથી.‘
હું નથી માનતો કે કાંટાળું પહેરણ હોત તોયે બાપુ આટલા વ્યાકુળ થઈ જાત. ખાદીનાં કપડાં પહેર્યાં ત્યારે તેમને ચેન પડ્યું ને કંઈક શાંતિથી વાતો કરી શક્યા.
- કાકાસાહેબ કાલેલકર