પરિચય :
ભારત અને ગુજરાતના જંગલોમાં ચિકાખાઈ (વિમલા, સાતલા/શિકાકાઈ)ના ઘણા મોટા અને કાંટાવાળા ઝાડવા થાય છે. તેની ડાળીઓ ભૂખરા અને સફેદ ધાબાવાળી હોય છે. એનાં પાંદડા ખૂબ બારીક, સામસામે સળી પર ૨૦-૨૨ની જોડમાં થાય છે. જાળીઓ પર નાના હુક જેવા કાંટા હોય છે. પાન ખાટા રેચક અને ૨ થી ૪ ઈંચ લાંબા થાય છે. ફૂલ ગોળાકાર ઉપર રેસા કે પુંકેસરવાળા હોય છે. તેની પર રેષાકાર, લંબગોળ, માંસલ અને નવી હોય ત્યારે જાડી પણ સુકાયેથી પાતળી-કરચલીવાળી, લાલ રંગની શીંગો (ફળી)થાય છે. શીંગ અરીઠા જેવા સ્વાદ અને ગુણવાળી, ખાટી, કડવી અને વધુ તીખા સ્વાદની હોય છે. દવામાં પાન તથા શીંગો ખાસ વપરાય છે.? ભારતમાં માથાના વાળની સફાઈ માટે અરીઠાની જેમ કે તેની સાથે શિકાકાઈ પણ ઘણા વર્ષોથી વપરાતી આવી છે. હવે તેનો હર્બલ શેમ્પુ અને કેશ (હેર) સોપમાં પણ ખાસ ઉપયોગ વધ્યો છે.
ગુણધર્મો :
ચિકાખાઈ કે શિકાકાઈ સ્વાદે તીખી, ખાટી અને તીક્ષ્ણ છે. તે વાયુ, કફ અને સોજાનો નાશ કરે છે. પાન ખાટા અને રૂચિકર છે. તેની શીંગ (ફળી) ઉત્તેજક, કફનો નાશકર્તા, ઉલટી કરાવનાર, મળમૂત્ર સાફ લાવનાર અને માથાના વાળનો મેલ, જૂ, લિખો તથા ખોડાનો નાશ કરનાર છે. તે વાળની અરીઠાની જેમ નિર્દોષપણે સફાઈ કરવા સાથે વાળના આરોગ્યની રક્ષા કરી, તેને કાળા તથા લાંબા બનાવે છે. શિકાકાઈની શીંગોમાં અરીઠાની જેમ ફીણ પેદા કરી, વાળ, ત્વચાનો મેત તથા ચીકાશ દૂર કરવાનો ખાસ ગુણ છે. તે કફ અને પિત્તદોષ નાશક અને વાયુકારક છે.
ઔષધિ પ્રયોગ :
(૧)
વીંછીના ઝેર-ડંખ પર : શિકાકાઈની અર્ધી શીંગ પાનમાં મૂકી ખાવી. તેના પાનનો રસ ડંખ પર ચોપડવો.
(૨)
મળ શુદ્ધિ-પેટનો ગોળો-છાતીનો કફ : શિકાકાઈની શીંગોનો ઉકાળો કરી ૨૫ થી ૫૦ ગ્રામ જેટલો મધ કે ગોળ નાંખી પીવો. તેથી કફ-આમદોષની ચીકાશ મટી ઝાડો સાફ આવશે. છાતી ચોખ્ખી થશે. ગોળાના દર્દ માટે ઉકાળામાં ચપટી સંચળ નાંખી પીવો.
(૩)
ઢોરને ઝેરીવનસ્પતિ ખાવાથી થયેલ બિમારીમાં શિકાકાઈની શીંગનો ભૂકો કરી, તેને છાશમાં વારંવાર પાવો. તેથી વિષ નાબૂદ થાય છે.
(૪)
છાતીમાં કફનો ભરાવો તથા શ્વાસ : શિકાકાઈની ફળી (શીંગો)નો ૨૦ ગણા પાણીમાં ઉકાળો કરો. તેમાં થોડી સુંઠ અને અરડૂસીના પાન નાંખી, પાણી ભાગ રહેથી ઉતારી ગાળી લો. તૈયાર ઉકાળો ૨૫ થી ૫૦ ગ્રામ મધ અથવા વર્ષ જૂનો ગોળ નાંખી બે-ત્રણ વાર પીવો.
(૫)
કમળો : શિકાકાઈની સૂકી શીંગો ૧૦૦ ગ્રામ અને મરી ૧૦ ગ્રામ ખાંડી, ચૂર્ણ બનાવો. તેમાંથી ૪-૫ ગ્રામ ચૂર્ણ વધુ પાણી સાથે લેવાથી ઝાડો-ઉલટી થઈ પિત્ત બહાર આવી રોગ મટશે.
(૬)
માથાના વાળનો ખોડો, જૂ, મેલ; શિકાકાઈની શીંગો, અરીઠાની છાલ, લીમડાના પાન અને આમળા સરખા ભાગે લઈ, અધકચરા ખાંડી, ૪૦૦ ગ્રામ પાણીમાં ૨૫-૩૦ ગ્રામ ભૂકો નાંખી ઉકાળો. પછી તેને ગાળીને તે ઉકાળા વડે માથાના વાળ જરુર પડે ત્યારે ધોઈને સાફ કરો. વાળની આરોગ્ય રક્ષા તથા વાળ વધારવા અને કાળા કરવા માટે આ એક ઉત્તમ વનસ્પતિ જ ‘કેશ-પ્રક્ષાલક‘ (શેમ્પુ) છે. હવે હર્બલ શેમ્પુ તથા વાળના સાબુમાં આ મુજબના દ્રવ્યો ખાસ વપરાય છે.