ડો. બી. જી. ચંદારાણા
જ્યોતિષશાસ્ત્રનો આધાર ખગોળ ગણિત છે, પરંતુ વિશેષ રસનો વિષય તો ફલાદેશ જ રહ્યો છે. જ્યોતિષ વિષયના સન્નિષ્ઠ અભ્યાસીને મન ગણિતનું મૂલ્ય સવિશેષ હોય તો સ્વાભાવિક છે, પરંતુ સામાન્ય જનનું આ વિષય પ્રત્યેનું આકર્ષણ તેની ઉપયોગિતાને લઈને જ છ અને જ્યોતિષશાસ્ત્રના નિત્ય નૂતન વિકાસનું પરિબળ પણ એ જ રહ્યું છે.
ફલાદેશના વિષયમાં બે બાબતો મહત્વની બની રહે છે:
(૧) કુંડળીમાં કેવા યોગો થાય છે ?
(૨) એ યોગો ક્યારે ફળ આપશે ?
આ બે મહત્વના પ્રશ્નો પૈકી પ્રથમ પ્રશ્નનો ઉત્તર તો જ્યોતિષ વિષયના પ્રાચીન તેમ જ અર્વાચીન ગ્રંથોમાંથી તૈયાર જ મળી રહે છે. ગજકેસરી યોગ, અમલાયોગ, શકટયોગ, હલયોગ, કાલસર્પયોગ વગેરે અનેક યોગો ક્યા ગ્રહમાનને આભારી છે તે ગ્રંથો બતાવે છે. તેનું શું ફળ મળશે તે પણ ગ્રંથોમાંથી જાણ શકાય છે, પરંતુ ફલાદેશનો બીજો મહત્વનો પ્રશ્ન આ યોગો ક્યારે ફળ આપશે ? એ સંશોધનનો વિષય રહે છે. આ પ્રશ્ન પ્રત્યે અહીં થોડી ચર્ચા કરી છે.
યોગોના ફલ સમય બાબતમાં નીચેના સિદ્ધાંતો અભ્યાસ અને અનુભવથી પ્રાપ્ત થયા છે.
(૧) જે યોગ જે ગ્રહોનાં કારણે ઉપસ્થિત થતો હોય તે ગ્રહોમાંથી એકની મહાદશા અને બીજાની અંતરદશા જ્યારે ચાલતી હોય ત્યારે તે યોગનું ફળ મળે છે.
(૨) જે યોગ જે ગ્રહોના કારણે ઉપસ્થિત થતો હોય તે ગ્રહો જ્યારે ગોચરમાં કુંડલી સ્થિત ગ્રહો ઉપરથી પસાર થાય ત્યારે તે યોગ ફળ આપે છે.
(૩) જે યોગ જે ગ્રહોના કારણે થતા હોય તે યોગકારક ગ્રહો જે સ્થાનમાં પડ્યા હોય તે સ્થાનોના માલિકોની મહાદશા-અંતરદશામાં તે યોગ ફળ આપે છે.
ઉદાહરણ તરીકે અહીં ત્રણ કુંડળીઓ જોઈએ.
એક કુંડળી આ પ્રમાણે છે :
કન્યા લગ્ન, સૂર્ય મેષનો આઠમે, ચંદ્ર સિંહનો બારમે, મંગળ મીનનો સાતમે, બુધ વૃષભનો નવમે, ગુરુ વૃષભનો નવમે, શુક્ર વૃષભનો નવમે, શનિ ધનનો ચોથે, રાહુ મેષનો આઠમે અને કેતુ તુલાનો બીજે છે. જાતકની જન્મ તારીખ ૯-૫-૩૦ છે.
આ કુંડળીમાં ‘અમલાયોગ‘ થાય છે. ચંદ્રથી દસમાં સ્થાને શુભ ગ્રહ પડ્યો હોય તો અમલાયોગ થાય. અહીં સિંહના ચંદ્રથી દસમા સ્થાને ત્રણ શુભ ગ્રહો – બુધ, ગુરુ શુક્ર પડ્યા છે. આ જાતનો ભાગ્યોદય તેમની ૪૭ વર્ષની ઉંમરે થયો. એ વખતે વિશોતરી મહાદશ મુજબ તેમને ગુરુની મહાદશામાં ચંદ્રની અંતર્દશા ચાલતી હતી. ૪૭ વર્ષની ઉંમર સુધી જો કે તેમની સ્થિતિ સારી તો હતી જ, પરંતુ ૪૭માં વર્ષે તેમના જીવનમાં ત્રણ શુભ ઘટનાઓ બની. પોતે જે કંપનીમાં નોકરી કરતા હતા તે કંપનીએ તેમને સ્વતંત્ર એજન્સી આપી. તેમના પુત્રનાં લગ્ન એક ધનાઢ્ય પિતાની એકની એક કન્યા સાથે થયાં અને ઘણા લાંબા સમયથી તેમની બાપ-દાદાની જમીન વાંધામાં પડી હતી તેનો કબજો તેમને મળ્યો. આમ તેમની કુંડળીમાં થયેલો ‘અમલાયોગ‘ તે યોગના કારક ગ્રહોની મહાદશા અંતર્દશામાં સવિશેષ રીતે ફળ્યો. ઉપર દર્શાવેલા નિયમો પૈકી પ્રથમ નિયમ અહીં ફલિત થયો છે.
બીજી કુંડળી આ પ્રમાણે છે :
ધન લગ્ન, સૂર્ય ધનનો લગ્નમાં, ચંદ્ર કન્યાનો દસમે, મંગળ મીનનો ચોથે, બુધ વૃશ્ચિકનો બારમે, ગુરુ મીનનો ચોથે, શુક્ર મકરનો બીજે, શનિ મેષનો પાંચમે, રાહુ તુલાનો અગિયારમે અને કેતુ મેષનો પાંચમે છે.
આ કુંડળીમાં ચોથા સ્થાને ગુરુ અને દસમા સ્થાને ચંદ્ર હોવાથી ગજકેસરી યોગ થયો છે. જાતકની જન્મ તારીખ ૧-૧-૧૯૪૦ છે .જાતકનો જન્મ સામાન્ય કુટુંબમાં થયો હતો, પરંતુ ૧૯૬૯ની સાલમાં તેના એક મિત્રની સહાયથી તેમને ઇંગ્લેન્ડ જવાનો યોગ થયો અને ત્યાં તેઓ ખૂબ જ સમૃદ્ધ બન્યા છે. ૧૯૬૯ના જૂનમાં તેમની ગોચરની સ્થિતિ જોવાથી ખ્યાલ આવશે કે ગોચરમાં ચંદ્ર મીનનો થયો ત્યારે ગુરુ કન્યાનો હતો. જન્મના ગુરુ ઉપરથી ચંદ્ર પસાર થતો હતો અને જન્મના ચંદ્ર ઉપરથી ગુરુ પસાર થતો હતો. આમ ઉપર દર્શાવેલા ત્રણ નિયમો પૈકી નિયમ નં. ૨ મુજબ અહીં ફલપ્રાપ્તિ થઈ છે.
હવે એક ત્રીજી કુંડળી જોઈએ :
સિંહ લગ્ન છે, સૂર્ય કુંભનો સાતમે, ચંદ્ર મેષનો નવમે, મંગળ ધનનો પાંચમે, બુધ કુંભનો સાતમે, ગુરુ વૃશ્ચિકનો ચોથે, શુક્ર મેષનો નવમે, શનિ તુલાનો ત્રીજે, રાહુ સિંહનો લગ્ને અને કેતુ કુંભનો સાતમે છે.
‘સર્વાર્થ ચિંતામણી‘ અનુસાર આ કુંડળીમાં ‘ભિક્ષા શનિ યોગ‘ થાય છે. મેષના ચંદ્રને શનિ જોતો હોય ત્યારે આ યોગ થાય છે. આ કુંડળીમાં ભાગ્ય ભુવનમાં રહેલ મેષના ચંદ્રને ત્રીજા સ્થાનેથી તુલાનો શનિ જુએ છે. આ જાતક સંપન્ન કુટુંબમાં તા. ૯-૩-૧૯૨૪ના રોજ જન્મેલ. સુખી સંપન્ન જીવન હતું. જાતક તેજી – મંદીનો વેપાર કરતા હતા ૧૯૬૭ની સાલમાં તેમને ધંધામાં ભયંકર ખોટ ગઈ. બધું વેચાઈ ગયું. આ સમયે તેમને મંગળની મહાદશામાં શુક્રની અંતરદશા ચાલતી હતી. હવે દેખીતી રીતે તો મંગળ-શુક્રની દશામાં આવી સ્થિતિ થવાનું કોઈ કારણ નથી, પરંતુ આ લેખમાં ઉપર આપેલા નિયમ નં. ૩ પ્રમાણે ચંદ્ર જે સ્થાનમાં પડ્યો છે તેનો માલિક મંગળ થાય છે અને શનિ જે સ્થાનમાં પડ્યો છે તેનો માલિક શુક્ર થાય છે. આમ ‘ભિક્ષા શનિ યોગ‘ કરનાર ચંદ્ર-શનિના સ્થાનના સ્વામીઓની દશા-અંતર્દશામાં આ સ્થિતિ થઈ. આ ત્રીજો નિયમ સૂક્ષ્મ ર્દષ્ટિ અને અર્થઘટન માગે છે. યોગકારક ગ્રહો જે સ્થાનોમાં પડ્યા હોય તેના સ્વામીઓની દશા પર કેવી અસર કરે છે તે હજુ વધુ સંશોધનનો વિષય બની રહે છે.