
શંખેશ્વર પાર્શ્વનાથનું આ જિનાલય લગભગ એક હજાર વર્ષ જેટલું પ્રાચીન ગણાય છે. આ દેરાસરનો 14મી સદીમાં અદાઉદ્દીન ખીલજીએ નાશ કર્યો હતો અને તે ફરથી 17મી સદીમાં બંધાયું હતું. દેરાસરમાં પાર્શ્વનાથ પ્રભુજીની મોટી પ્રતિમા છે. બાજુમાં પદ્માવતીદેવીની પ્રતિમા છે.
મહેસાણા જિલ્લાનું બીજું મહત્વનું જૈન તીર્થ છે જિલ્લાની દક્ષિણપશ્ચિમ સરહદે આવેલું શંખેશ્વર તીર્થ. આ ઘણા પ્રાચીન તીર્થમાંના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનો મહિમા ઘણો જ છે. આ ઉપરાંત કડી તરફનું ભોયણી વગેરે અનેક પ્રાચીન જૈનતીર્થોનાં સુંદર દેવાલયો આ જિલ્લામાં છે.
મહામંત્રી સજ્જન શાહે વિક્રમ સંવત 1155માં શંખેશ્વરજીમાં મંદિર બંધાવ્યું હતું. ત્યાર બાદ વિવિધ આચાર્યો વિહાર કરતા કરતા શંખેશ્વરમાં આવીને વસતા હતા. આ મુનિઓ શંખેશ્વર ગચ્છીય તરીકે ઓળખાતા હતા. આચાર્ય શ્રી સર્વદેવસૂરિજી મહારાજ વખતોવખત અહીં ચોમાસું વિતાવતા હતા. તેમણે આ સ્થાનમાં ચમત્કારિક્તત્વ જોઈને જૈન શ્રાવકોને અહીં દેરાસર બાંધવાની પ્રેરણા આપી હતી.
વઢિયાર દેશમાં રાધનપુર પાસે શંખેશ્વર નામનું ગામ છે. પ્રાચીન નામ શંખપુર છે. ગામના મધ્ય ભાગમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના પશ્ચિમ સન્મુખ જૂના મંદિરનું એક વિશાળ ખંડિયેર ઊભું છે. ગામના પશ્ચિમ તરફના ઝાંપામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું તીર્થધામ આવેલું છે. જૈનગ્રંથોના ઉલ્લેખ અનુસાર પ્રાચીનકાળમાં એક શ્રાવકે ચારોપ, સ્તંભફુર અને શંખેશ્વરમાં જિન પ્રતિમાઓ બિરાજમાન કરાવી હતી. વર્તમાનમાં સંવત 1760માં શ્રી વિજય રત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબે અહીં પ્રતિષ્ઠા કરાવી છે. સંવત 1155માં સજ્જન મંત્રીએ બંધાવેલ મંદિરનાં ખંડિયેરો આજે મોજૂદ છે. 14મી શતાબ્દીમાં અલાઉદ્દીને મંદિરનો નાશ કર્યો હતો. મૂર્તિ ભંડારી દીધેલી હતી. આ મંદિર ફરીથી 17મા સૈકામાં લગભગ બંધાયું છે. જૂના મંદિરનાં ખંડિયેરો અડધો માઈલ ઉપર ચંદુરના રસ્તા પર મળે છે.
પાર્શ્વનાથજીનું નવું દેરાસર કંપાઉન્ડની ભાગમાં આવેલું છે. આ દેરાસર બેઠી બાંધણીનું

વિશાળ અને સુંદર છે. તે મૂળ ગભારો, ગૂઢ મંડપ, બે સભામંડપો, મૂળ ભગારાની બંને બાજુએ એક-એક શિખરબંધી ગભારા, ભમતીમાં બાવન જિનાલયની દેરીઓ, શૃંગાર ચોકીઓ અને વિશાળ ચોક સહિત સુંદર બનેલું છે. તેમાં સૌથી પહેલાં મૂળ ગભારો (ગર્ભાગાર), પછી ગૂઢ મંડપ, પછી ત્રણ ચોકીઓ, પછી જૂનો સભામંડપ, પછી નવો સભામંડપ, પછી છ ચોકીઓ, ત્યાર પછી મુખ્ય દરવાજો અને દરવાજા બહાર શૃંગાર ચોકીમાં ચાર ચોકીઓ બનેલ છે. ગૂઢ મંડપની બંને બાજુએ એક એક ગભારો બનેલ છે. ભમતીમાં, ત્રણે બાજુની લાઈનોમાં વચ્ચે એક એક મોટા ગભારા સાથે 55 મોટી દેરીઓ, દેરી 51-52ની વચ્ચેના ખૂણામાં પાદુકાની દેરી એક અને દરવાજા પાસે ખૂણામાં પદ્માવતી દેવીની નાનકડી દેરી એક મળીને કુલ 57 દેરીઓ છે. મૂળ ગભારા ઉપર અને ગૂઢ મંડપની બંને બાજુના બંને ગભારા ઉપર એમ ત્રણ ગભારા શિખરો બનેલાં છે. તેમાં મૂળ ગભારા ઉપરનું શિખર સૌથી ઊંચું છે. ભમતીના ગભારાનાં ત્રણે શિખરો ઊંચા છે, પણ તે મૂલ ગભારા ઉપરના શિખર કરતાં જરા નીચાં છે. ગૂઢ મંડપ અને તેની પછીના જૂના સભામંડપ ઉપર ધુમ્મટને બદલે જુદાં જુદાં પ્રાચીન અને બેઠા ઘાટનાં શિખરો છે. નવો સભામંડપ અને શ્રૃંગાર ચોકીઓ ઉપર ઘુમ્મટો બનેલા છે.
ભમતીની દેરીઓની પાછળની લાઈનની વચ્ચેનો ગભારો બે ખંડવાળો છે. દરેક ગભારા અને દેરીઓ ઉપર શિખરો છે. તેમ જ ભમતીના દરેક ગભારા અને દેરીઓની ઓસરીની છત ઉપર એક-એક શિખર પાસે એક-એક ઘુમ્મટ છે, તથા ગૂઢ મંડપની બંને બાજુના બંને ગભારાનાં શિખરો પાસે એક-એક ઘુમ્મટ છે. ગૂઢ મંડપની બંને બાજુના બંને ગભારાની છત ઉપરથી જવા માટે બે પુલો બાંધેલા છે. ગૂઢ મંડપની દીવાલોમાં સં. 1973માં ઘણું જ મનોહર ચિતરામણ કામ થયું છે.