હોમ
શામળદાસ સોલંકી
-
પ્રયોગશીલ ગુજરાતી ગઝલકવિતાના કવિ શામળદાસ સોલંકીનો જન્મ તા. ૧૫-૬-૧૯૪૧ના રોજ જૂનાગઢમાં થયો હતો. પિતાનું નિધન થતાં શ્યામ મેટ્રિકથી આગળ ભણી ન શક્યા. તેમણે જૂનાગઢની નગરપલિકામાં સભ્યપદ તેમજ શિક્ષણ સમિતિના ચેરમેનપદની ખુરશી પણ શોભાવી હતી. તેમના કાવ્ય સંગ્રહો ‘યાયાવરી’, ‘થોડાં બીજા ઈન્દ્રધનુષ્ય’ અને ‘આત્મકથાના પાનાં’ શ્યામને ગુજરાતી ગઝલના ઈતિહાસમાં પોતીકું સ્થાન અપાવે છે. ખાલી ખખડતા બોદા એવા શબ્દને મુકાબલે અર્થસભર શબ્દની મક્તા સ્થાપતા આ શાયર, પોતાની ફળવતી ભાષાનું મહિમાગાન પણ આગવા અંદાજ સાથે કરે છે. ગઝલની આંતરિક સમૃદ્ધિને પરિણામે તેઓ પ્રતિષ્ઠા પામે છે તેમજ પ્રયોગશીલ ગઝલકવિતાનું મૂલ્યવાન પ્રકરણ બની રહે છે. ઈ.સ. ૨૦૦૧ માં એક મોડી રાત્રિએ શ્વાસના રસ્તા પૂરા થયાના અહેસાસ સાથે, મૃત્યુના દ્વાર ખોલવાની તૈયારી દાખવતા ‘સાધુ’ પોતાના અક્ષરદેહને સૌ સહ્રદયમાં વહેંચીને, ક્ષરદેહે આપણી વચ્ચેથી વિદાય થયા. શ્યામ સાધુના નિધનથી ગઝલનો મહેકભર્યો રંગ જાણે કે ઝાંખો પડી ગયો. તેમના જ શે’રમાં નગરજીવનનો વાસ તેમજ પ્રવાસ ભોળાભલા આત્માને વિષમ અને વિચિત્ર પ્રતીત થતો જણાય છે.
ઓ નગરજનો ! હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com