જો પતિ માત્ર કિન્નાખોરી રાખીને અને પત્ની સાથેના હિસાબકિતાબ ચુકતે કરવાના ઇરાદે જ ચાર માસ સુધી એની લગ્નજીવન સંબંધી ફરજો અદા ના કરે તો એ દંપતી વચ્ચેનું લગ્નજીવન પુરૂં થઇ ગયેલું ગણાય. પત્ની આવા કિસ્સામાં દારૂલ કઝા એટલે કે શરિયત કોર્ટ સમક્ષ ધા નાખીને ખુલા એટલે કે ફારગતિની માગણી કરી શકે, એમ દારૂલ ઉલૂમ દેવબંદે તાજેતરમાં આપેલા એક ચુકાદામાં જણાવાયું છે. લગ્નજીવનમાં જાતીય સુખનો અભાવ કેટલા સમયગાળા માટે સ્વીકૃત ગણાયો છે એ જાણવા માટે એક મુસ્લિમ પરીણિતાએ શરિયત કોર્ટનો સંપર્ક કરતા ઉપરોક્ત ચુકાદો આપવામાં આવ્યો છે. જો પતિ જીદના પગલે અથવા સોગંદ હેઠળ ચાર માસ સુધી પત્નીની નજીક ના જાય તો એવા કેસમાં લગ્નનું ભવિષ્ય શું એવો સવાલ પણ એ મહિલાએ પૂછ્યો હતો.
મુફતીઝે જવાબમાં જણાવ્યું કે જો પતિ ઉપરોક્ત સંજોગોમાં એની પત્નીથી દુર રહે તો પત્ની એને છોડી દઇને પિયર પાછી જઇ શકે.જો કે પોતાના વ્યાવસાયિક રોકાણ કે અન્ય કોઇ ફરજિયાતપણાના લીધે પતિ એની પત્નીને દામ્પત્યસુખ પુરૂં ના પાડી શકતો હોય તો એવા કેસને ઉપરોક્ત માપદંડથી મૂલવી શકાય નહિં.