આજે યુવાનો સહિતના વર્ગમાં જાતીય ક્ષમતા માટે વાયેગ્રાનો ઉપયોગ થઇ રહ્યો છે પરંતુ અઠવાડિયે માત્ર એક જ વખત વાયેગ્રાનો ઉપયોગ સલાહભર્યો છે. વાયેગ્રાનો વઘુ ઉપયોગ હદયરોગના દર્દી માટે જોખમી નીવડી શકે છે, એમ અમદાવાદમા ઇન્ડીયન સાઇકાટ્રીક સોસાયટી આયોજીત ડોક્ટરો માટેના બે દિવસીય શિબીરના અંતિમ દિવસે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલના યુરોલોજી વિભાગના વડા શ્રી મોહન્તીએ જણાવ્યુ હતું.
તેમણે કહ્યું કે તાજેતરમાં તેમની પાસે હદયરોગના બે દર્દીઓ આવ્યા હતા કે જે વાયેગ્રાના નિયમિત ઉપયોગથી પરેશાનીમાં મૂકાયા હતા.આમાંના એકને વાયેગ્રા લેવાનું બંધ કરાવવું પડયું છે જ્યારે બીજાને અઠવાડિયે એક જ વાયેગ્રા લેવાની છૂટ આપી છે. હદયરોગ ઉપરાંત જેમને બ્લડપ્રેશર વઘુ રહેતું હોય જેમને બાયપાસ સર્જરી થઇ હોય અને જેઓ નાઇટ્રેટ સત્વવાળી દવા લેતા હોય તેમણે વાયેગ્રાનું સેવન ટાળવું જોઇએ. સામાન્ય રીતે વાયેગ્રાનો ઉપયોગ સાઠ વર્ષથી ઉપરના લોકોએ જ કરવો જોઇએ તેવી સલાહ અમે આપતા હોઇએ છીએ. યુવાનો માટે સર્જરી, વેક્યુમ ડિવાઇઝ જેવા અન્ય વિકલ્પો મોજૂદ છે. વાયેગ્રા ડાયાબિટીસ, કરોડરજ્જુની ઇજા જેવા કારણોથી જાતીય સંબંધો ન ભોગવી શકનારાઓ માટે ફાયદાકારક છે. સમાગમના અર્ધા કલાક પહેલા તે લઇ શકાય છે અને ત્યારે તમે ભૂખ્યા હોવ તે સલાહભર્યું છે. માથાનો દુઃખાવો, દ્રષ્ટિમાં ત્રણ ટકાનો ફેર, ડાયેરીયા, નાક બંધ થવું એ બધી તેની શક્ય આડઅસરો છે.
પુરૂષની જનનઇન્દ્રિયના ઉત્થાનમાં થતી તકલીફો માટે ડાયાબીટીસ, પેરીફેરલ વાસ્ક્યુલર રોગ, હાયપરટેન્શન, સ્મોકીંગ, ૨૬૫ મીલીગ્રામ એલડીએલથી વઘુ કોલેસ્ટોરલ લેવલ અને ખરાબ કોલેસ્ટોરલનું વઘુ પ્રમાણ જવાબદાર હોઇ શકે છે એમ તેમણે ઉમેર્યું હતુ.