જાતીય સમાગમના આરંભ પછી ૬૦ સેકંડ કરતાં ઓછા સમયમાં વીર્યનું સ્ખલન થાય તો એ કવેળાનું ગણાય છે. ઇન્ટરનેશનલ સોસાયટીફોર સેકસ્યુઅલ મેડીસીન (આઇએસએસએમ) રચિત જાતીય આરોગ્ય સંબંધી વિશ્વના અગ્રણી નિષ્ણાતોની ૨૦ સભ્યોની સમિતિએ પ્રથમ વાર કવેળાએ થતા વીર્ય સ્ખલન (પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન- પીઇ) ની વ્યાખ્યા બાંધી છે. વ્યાખ્યામાં જણાવાયું છે કે કવેળાનું વીર્યસ્ખલન એટલે કે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન એ જાતીય બીમારી છે. જેમાંથી વિશ્વના ૩૦ ટકા પુખ્તો પીડાય છે.
ઉપરોક્ત ૨૦ સભ્યોની સમિતિએ તૈયાર કરેલા અભ્યાસના મુખ્ય લેખક એવા જાણીતા અમેરિકી યુરોલોજિસ્ટ ઇટા ડી. શાર્લિપે કહ્યું કે વિશ્વભરના લાખો પુરૂષોની પીડાના કારણરૂપ કવેળાએ થતા વીર્ય સ્ખલનની તબીબી વ્યાખ્યા કવેળાએ થતા વીર્યસ્ખલન વિષે પ્રસિઘ્ધ થયેલા સેંકડો આંતરરાષ્ટ્રીય અભ્યાસોનો અભ્યાસ કર્યા પછી રચાઇ છે.
ડૉ. શર્લિપે જણાવ્યું કે જીવનભર પીડતા કવેળાના વીર્ય સ્ખલનની વ્યાખ્યા હવે જાતીય નિષ્ફળતાનો એક પ્રકાર છે. કે જેમાં લગભગ દરેક સમાગમ વખતે શિશ્ન યોનિમાં દાખલ થયા પછીની મિનિટમાં જ વીર્યસ્ખલન થઇ જાય છે. અગાઉની વ્યાખ્યાઓમાં સમયગાળાની મર્યાદા જણાવાઇ નહોતી અને એથી ચરમસીમાએ થોડાક જ વહેલા પહોંચતા ઘણા પુરૂષો, ક્યારેક પોતે કવેળાનાં વીર્યસ્ખલનની તકલીફથી પીડાતા હોવાની ગેરસમજ ધરાવતા હતા, જેના પરિણામે એમને જબરદસ્ત માનસિક હતાશા, નિરાશા, વ્યગ્રતા તેમજ દામ્પત્યનો વિસંવાદ અનુભવવા પડતા હતા.
એમના મતાનુસાર હવે એવી આશા જન્મે છે કે એક જ મિનિટમાં સમાગમની પરાકાષ્ઠાએ પહોંચી જનારાઓ કવેળાના વીર્યસ્ખલનને તબીબી સ્થિતિ તરીકે સમજશે અને મૂંગા રહીને સહ્યે જવાને બદલે સારવાર મેળવશે.