ડૉ. સંજય પોપટ
* એઈડ્સના વાયરસના સંસર્ગમાં આવ્યા પછી એઈડ્સ રોગના લક્ષણો દેખાતા કેટલો સમય લાગે ? શરૂઆતમાં કોઈ લક્ષણો હોય ખરાં ?
એઈડ્સના વાયરસનો શરીરમાં પ્રવેશ થયા પછી પૂર્ણ વિકસિત રોગ થતાં સહેજે આઠ-દશ વર્ષ લાગે. તે દરમ્યાન દર્દીને કોઈપણ લક્ષણો ના દેખાય. આ સમયને ઈન્ક્યુબેશન પીરીયડ કહેવાય. ક્યારેક આ સમય વર્ષોને બદલે થોડા મહિનાઓ જેટલો ઓછો પણ હોઈ શકે (જેમ બાળકોમાં).
એઈડ્સ વાઈરસ શરીરમાં પ્રવેશ્યા પછી ચાર થી આઠ અઠવાડિયામાં લોહીમાં પોઝીટીવ આવી શકે.
*HIV ના ચેપને જાણવા માટે લેબોરેટરીની કંઈ તપાસો હોય છે ?
-આજે સામાન્ય રીતે બે જાતની તપાસ કરાવાય છે. એલીસા ટેસ્ટ (ENZYME LINKED IMMUNO SORBENT ASSAY) (ELISA)
વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ.
*એલિસા ટેસ્ટ ક્યારેક HIV ચેપ હોવા છતાં પરિણામ ન બતાવે. અથવા ક્યારેક ચેપ ન હોય તેમાં ખોટી રીતે પોઝીટીવ પરિણામ બતાવે. શું આવું શક્ય છે ? તેનો શું ઉપાય?
-હા, આમ થવું શક્ય છે. એલિસા ટેસ્ટ દ્વારા H I V અથવા તેના ઘટકોની વિરુદ્ધમાં શરીરમાં થતી એન્ટિબોડીને શોધવામાં આવે છે.
-એઈડ્સ વાયરસ શરીરમાં પ્રવેશે છે ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ તેની સામે લડવા ઉતરે. તેનાથી શરીરમાં HIV સામે એન્ટિબોડી બને. જે HIVને દૂર કરવાની કોશીશ કરે. આ એન્ટિબોડી બનવા માટે થોડા અઠવાડિયાઓથી થોડા મહિના જેટલો સમય લાગે. આ સમય દરમ્યાન એઈડ્સના HIV શરીરમાં હોવા છતાં એલિસા ટેસ્ટનું પરિણામ નકારાત્મક – નેગેટીવ આવે. કારણ કે તે દરમ્યાન એન્ટિબોડી જ શરીરમાં ના હોય. આ સમયને "વિન્ડો પીરીયડ" કહેવાય.
-એઈડ્સ રોગના લક્ષણવાળા દરેક દર્દીને એલિસા ટેસ્ટનું પરિણામ ચોક્કસ પોઝીટીવ આવે જ. પણ જો રોગ ખૂબ જ વધી ગયો હોય તો શરીરના એન્ટિબોડી બનાવનાર કોષો જ નષ્ટ પામે છે. આથી એન્ટિબોડી બનતા અટકી જાય છે. આ વખતે એલિસા ટેસ્ટ એઈડ્સ રોગ હોવા છતાં નેગેટીવ આવી શકે.
-આ સિવાય તાવ જેવી અન્ય માંદગી દરમ્યાન પણ આવુ થઈ શકે.
-આ ટેસ્ટ બહુ સેન્સીટીવ છે. એટલે ૯૯.૫ ટકા શક્યતાઓમાં HIV એન્ટિબોડી હોય તો પકડાય જ જાય છે. પણ ક્યારેક એવું પણ બને કે HIV ના ચેપ વગર પણ ટેસ્ટ પોઝિટીવ આવી શકે છે. ટેસ્ટમાં વપરાતા રસાયણોમાં ટેસ્ટ કરવાની રીતમાં ભૂલ હોય તો આવું થાય.
આવી અનિશ્ચિતતાઓને લીધે જ્યારે જ્યારે એલિસા દ્વારા અથવા લક્ષણો દ્વારા એઈડ્સ હોવાની સંભાવના જણાય ત્યારે ફરીવાર એલિસા અને પછી પાકું નિદાન કરવા માટે વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ કરવી જરૂરી હોય છે.
-એલિસામાં પોઝીટીવ કે શંકાસ્પદ પરિણામ હોય પણ વેસ્ટર્ન બ્લોટમાં નેગેટીવ પરિણામ હોય તો HIV નું નિદાન પાકું ગણવું. પણ ક્યારેક તેમાં શંકા જણાય અથવા તે નેગેટિવ હોય અને HIVની શક્યતાઓ ઘણી વધારે હોય ત્યારે અત્યંત આધુનિક પરિક્ષણ તરીકે PCR (POLYMERASECHAIN REACTION) દ્વારા HIVના વાયરસને જ સીધા પકડી શકાય અને નિદાન પાકું કરી શકાય.
-જ્યારે વેસ્ટર્ન બ્લોટ અને PCRની સગવડો સહેલાઈથી ઉપલબ્ધ ના હોય ત્યારે એલિસાનું પરિણામ નેગેટિવ હોવા છતાં એઈડ્સની શક્યતાઓ જણાય તો અલિસા ટેસ્ટ દોઢ, ત્રણ, છ અને બાર મહિને ફરિવાર કરવો જોઈએ. આમ વારેવારે કરવા છતાં નેગેટિવ જણાય તો HIV નથી તેવું માનવું રહ્યું.
* જો કોઈ વ્યક્તિનો એચ.આઈ.વી. રીપોર્ટ નેગેટીવ હોય તો તેની સાથે સંબંધ બાંધવામાં કોઈ જોખમ ખરું ? નોર્મલ દેખાતા માણસને પણ એઈડ્સનો ચેપ લાગ્યો હોઈ શકે- એવું મેં ક્યાંક વાંચ્યું હતું. સાથે એમ પણ લખ્યું હતું કે વ્યક્તિને એઈડસનો ચેપ લાગ્યો છે કે નહીં એ જાણવા માટેનો એકમાત્ર રસ્તો તેના લોહીમાં એચ.આઈ.વી. ટેસ્ટ કરીને જોવાનો છે. આ સંદર્ભમાં મારે એ જાણવું છે કે નેગેટીવ એચ.આઈ.વી. રીપોર્ટ ધરાવતાં માણસ સાથેનો જાતીય સંબંધ સો ટકા સુરક્ષિત ગણાય કે કેમ ?
-સામાન્ય રીતે એવું માની શકાય કે જેનો HIVનો રીપોર્ટ નેગેટીવ તેને એઈડસ વાયરસનો ચેપ નથી લાગ્યો. પણ આ બાબતમાં એક મહત્વનો અપવાદ છે. વ્યક્તિના શરીરમાં એઈડ્સના વિષાણુ દાખલ થયા પછી ‘એન્ટિબોડીઝ‘ તરતને તરત નથી બની જતાં. તે બનતાં કેટલાક અઠવાડિયાઓનો સમય જાય છે. આ એ સમયગાળો છે જે દરમિયાન વ્યક્તિ જાતીય સંપર્ક, યા લોહી દ્વારા અન્યને એઈડ્સનો ચેપ આપી શકે છે. પણ તેના લોહીના HIV પરીક્ષણનો રીપોર્ટ નોર્મલ આવે છે. આ પીરીયડને ‘વીન્ડો પીરીયડ‘ કહેવાય છે જે અન્યો માટે જોખમી સાબિત થઈ શકે છે. આથી ‘HIV નેગેટીવ‘ રીપોર્ટ ધરાવતી વ્યક્તિ પણ ‘વીન્ડો ઈફેક્ટ‘ને લીધે સંપૂર્ણ સુરક્ષિત નથી ગણાતી.