
લગ્ન તો જીવનભર સાથ નિભાવવા માટેનું વ્રત છે, અને તે માટેની સંપૂર્ણ કટિબધ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતિક છે, સપ્તપદી, જેમાં કન્યા દ્વારા વિવિધ પ્રતિજ્ઞાઓમાં પ્રથમ પ્રતિજ્ઞામાં વધુ આભારવશ ભાવે તેના પતિને જણાવે છે કે ગત જન્માં પોતે કરેલા અસંખ્ય પુણ્યોને કારણે તેને તેઓ પતિના રૂપમાં પ્રાપ્ત થયા છે. આ પ્રતિજ્ઞા દ્વારા વધુ પોતાના પતિને સર્વસ્વ ગણે છે, અને આ સૌભાગ્યવશ પોતાના કપાળે ચાલ્લો કરવાનું શરૂ કરે છે. સપ્તપદીની બીજી પ્રતિજ્ઞામાં વધુ પોતાના પતિના બાળકથી માંડીને અબાલવૃધ્ધ સહિત સંપૂર્ણ પરિવારના પલનની ખાત્રી આપે છે. તેમજ ઉપલબ્ધ સાધન સંપન્નતાથી સંતોષ રાખવાનું વચન આપે છે. અહિં પરિવારના દરેક સભ્યોને પ્રેમ લાગણી અને સેવાભાવથી પોતાના બનાવવાની વાત કરી છે. તદ્ઉપરાંત તે જે સુખ મળે તેનાથી સંતોષ પામશે અર્થાત તે ખોટો અસંતોષ નહિ રાખે જેનાથી વધુ આર્થિક ઉપાર્જન માટે તેનો પતિ ખોટા માર્ગો અપનાવે, જે સરવાળે સમર્ગ્ર પરિવારને નુકશાનકર્તા નિવડે. જયારે ત્રીજી પ્રતિજ્ઞામાં કન્યા તેના પતિની આમન્યા જાળવવાની તેમજ તેમના માટે ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે. ભોજન તો હોટલમાં પણ જમી શકાય છે અથવા તો ત્યાંથી ઘરે લઇ આવીને પણ જમી શકાય છે. પરંતુ ઘરે પત્નિ દ્વારા પ્રેમપૂર્વક તૈયાર કરવામાં આવેલ ભોજનની મજા કંઇક ઓર જ હોય છે. સપ્તપદીની ચોથી પ્રતિજ્ઞામાં વધુ સારા શણગાર – શૃંગાર સજી મનભાવ, વિચારવાણી શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાની વાત કરે છે. શરીરની સ્વચ્છતા શણગાર-શૃંગાર વગેરે સ્ત્રીના વ્યક્તિત્વને ભવ્યતા બક્ષે છે. આથી સ્ત્રી તેના પતિનું આકર્ષણનું કેન્દ્બ પણ બની રહે છે. અહિં પત્નિ બનવાથી તેણે પિયતમા તરીકેની ભૂમિકા ભૂલી નહિ જાય તેમ વધુ તેના પતિને ખાત્રી આપે છે. જયારે પાંચમી પ્રતિજ્ઞામાં કન્યા પોતાના પતિને વચન આપે છે કે તે સુખના સમયે આનંદમાં તો રહેશે પરંતુ દુઃખના દહાડાઓમાં પોતાની ધીરજ કે સહનશીલતા ગુમાવશે નહિ તેમજ પોતાના પતિના સુખ અને દુઃખમાં ભાગીદાર બનશે, તેમજ કયારેય પણ પરાયા પુરૂષનો સાથ નિભાવશે નહિ તેવી પણ ખાત્રી આપે છે. સપ્તપદીના છઠ્ઠા વચનમાં વધુ તેના પતિને કહે છે કે તે પોતાના પતિના ઘરના તમામ કાર્યો આનંદપૂર્વક કરશે તેમજ પતિના માતા- પિતાની સેવા કરશે તેમજ અન્ય સગાવાડઓને આદર કરશે. પતિ જયાં રહેશે તેની સાથે પોતે પણ રહેશે તેમજ પતિને કોઈપણ પ્રકારે ન છેતરવાની તેમજ પોતે પણ તેનાથી નહિ છેતરાય તેવું વચન આપે છે. આ પ્રતિજ્ઞામાં માત્ર તેના પતિ પ્રત્યેની જ સંબંધીઓ ની વાત નથી પરંતુ તેના સાસુ-સસરા તેમજ સમગ્ર પ્રત્યેની ફરજની કટિબધ્ધતા દર્શાવવામાં આવી છે. સાતમી અને છેલ્લી પ્રતિજ્ઞામાં કન્યા તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં સહાય તદ્ઉપરાંત ધાર્મિક, આર્થિક તેમજ કામ વિષયક કર્મોમાં પણ પતિ કહે તેમ વર્તવાની ખાત્રી આપે છે. અગાઉની પ્રતિજ્ઞાઓમાં પત્નિ દરેક રીતે પતિનો સાથ નિભાવવાનું વચન આપે છે. પરંતુ અહિં ધાર્મિક કાર્યોમાં પણ જોડાજોડ રહેલાની ખાત્રી આપે છે.
આમ, સપ્તપદીમાં કન્યા દ્વારા લેવાતી પ્રતિજ્ઞા સાંસારીક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તીત કરવાની ખાત્રી આપે છે.