
પાણી ભરવું, વાસણ માંજવાં, વાળવું, દળવું, રાંધવું, કપડાં ધોવાં, કાંતવું,– આ બધાં કામો લોકોમાં હલકાં મનાય છે. તેઓને વખત મળતો નથી એમ નથી, પણ આ કામો હલકાં માણસોનાં છે એમ તેઓ માનતા અને તેથી તે કરવા માટે નોકરો રાખતા અને નોકરોને નીચા ગણી તેમની સાથે તોછડાઈથી વર્તતા. ગાંધીજી કોઈ કામને હલકું ગણતા નહોતા. આશ્રમ કાઢ્યો તે પહેલાં પણ તેમના વિચારો આ જાતના હતા. તેમના ઘરમાં નોકર ન જ રાખતા એમ નહીં. પણ નોકર સાથે નોકર તરીકે તેઓ કદી વર્તતા નહીં.
તેઓ બહુ નાના હતા ત્યારે તેમના ઘરમાં રંભા નામની એક કામવાળી હતી. ગાંધીજી એ બાઇને સગી માની જેમ યાદ કરતા. નાનપણમાં રંભાએ એમને એમ શીખવેલું કે બીક લાગે ત્યારે રામનું નામ લેવાથી બીક ઊડી જાય છે. આ ઉપદેશ ગાંધીજી ભૂલ્યા નહોતા.
બારિસ્ટર થયા પછી ગાંધીજીએ મુંબઈમાં થોડો વખત ઘર વસાવ્યું હતું. તે વખતે તેમણે રસોઈ માટે એક બ્રાહ્મણ નોકર રાખ્યો હતો. પોતે વિલાયત જઈ આવેલા અને રોફમાં અને અંગ્રેજી ઠાઠથી રહેતા છતાં નોકરને નોકર તરીક ન ગણતા. અરધુ મહારાજ રાંધે, અરધું પોતે રાંધે. મહારાજને શીખવતા જાય, એક પંગતે બેસી તેની સાથે જમતા. નોકર તરીકે કશો ભેદ રાખતા નહોતા.
દક્ષિણ આફ્રિકામાં તેમની કમાણી મોટી હતી અને ઘરખટલો ભારે હતો છતાં પાયખાનું સાફ કરવું, કપડાં ધોવાં, એવાં બધાં કામો ગાંધીજી અને કસ્તૂરબા હાથે કરતાં. ઘરમાં નોકરો અને મહેતાઓ ઘણા હતા, પણ તે સૌને ઘરમાં ઘરના માણસો તરીકે તેઓ પોતાની સાથે રાખતા. આશ્રમવાસી થયા પછી તો બધાં કામો હાથે કરવાં, નોકર ન રાખવા એવો નિયમ જ કર્યો. જેને સેવા અર્થે જીવવું છે તેને વળી નોકર શા ને શેઠ શા ?