
નિર્ધન પરિવારમાં જન્મ લીધેલ વ્યકિત મહાપુરૂષ બન્યાના ઘણા ઉદાહરણો આપણે ઈતિહાસમાં જોયા છે, તે જ રીતે કમળ પણ કાદવ-કિચડ માં ઉગે છે. તેમ છતાં દેવના શીરે ચડે છે. કમળ ભલે પંકમાં ઉગતુ હોય પરંતુ પોતાના કર્મોની સુવાસ એટલી હદે ફેલાવે છે કે તે દેવના રીતે તો સ્થાન પામે છે, ખુદ સુષ્ટિ રચયિતા બ્રહ્મા તેના ઉપર બિરાજમાન થાય છે. કમળ સુંદરતાનું પણ પ્રતિક છે. કોઈપણ તળાવ કમળ વગર નિશ્ચેતન લાગે છે. આપણા ધર્મગ્રંથોએ પણ કમળને શ્રેષ્ઠ ગણ્યું છે. આ જીવન સૃષ્ટિમાં કમળનું નિર્માણ કરી કુદરતે માનવને ઘણા બોધ આપ્યા છે. કમળ કાદવ કિચડમાં ઉગે છે છતાં પોતાની જાતને તેનાથી અલગ રાખી પોતાની પવિત્રતા જાળવી રાખે છે. તેમજ પોતાની સુવાસ સતત ફેલાવતું રહે છે. તે જ રીતે માનવે પણ સંસાર માં રહેલા રાગ, દ્રેષ, અભિમાન, ઈર્ષ્યા વગેરે તત્વોથી પોતાની જાતને નિરપેક્ષ રાખીને કમળની જેમ સુવાસ ફેલાવતા સત્ત કર્મો કરતા રહેવું જોઈએ. જીવનમાં ઝેર રૂપી દોષો જેવું જીવન જીવવું જોઈએ. જેમ કમળ કોઈપણ દોષોની પરવા કર્યા વગર સુવાસ ફેલાવવાના પોતાના લક્ષ પ્રત્યે કટિબધ્ધ છે તે જ રીતે માણસ પણ કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ, દુઃખોની પરવા કર્યા વગર માત્ર પોતાના વિકાસ પ્રત્યે જ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. ભગવદ ગીતામાં પણ શ્રી કૃષ્ણે કહ્યું છે કે જે માનવ મહોમાયામાં ફંસાયા વગર માત્ર બ્રહ્મને જ ધ્યાનમાં રાખીને પોતાના સતકર્મો પ્રત્યે જ લક્ષ રાખે છે તે જળમાં હોવા છતાં જળથી નિરપેક્ષ રહેતા કમળની જેમ પાપોથી મુક્ત રહે છે. કમળ હંમેશા સુર્ય તરફ પોતાની દ્રષ્ટિ રાખે છે. તળાવના પાણીમાં તેની આજુબાજુ વિચરતા જીવ-જંતુઓની તેને મન કોઈ કિંમત નથી. તે જ રીતે આપણે પણ હંમેશા ઈશ્વર તરફ દ્રષ્ટિ રાખવી જોઈએ અને મહાપુરુષોના જીવનને અનુસરવું જોઈએ. કમળ આપણી વિવિધતાસભર સંસ્કૃતિનું પણ પ્રતિક છે. આપણી સંસ્કૃતિમાં પણ અનેક પંથ જાતિ સમુદાયો કે સંપ્રદાયો આવેલા છે. આપણું ભારત વર્ષ અનેક ધર્મોનું સંગમસ્થાન છે. તે જ રીતે કમળ પણ અનેક પાંખડીઓ ધરાવે છે જેનું ઉદગમસ્થાન તો એક જ છે. ભારતીય સંસ્કૃતિમાં આટલી વૈવિધ્યતા હોવાં છતાં તે પોતાની સહિષ્ણુતા ગુમાવતી નથી તેમ અનેક જુદી જુદી પાંખડીઓનું બનેલું કમળ પોતાની સુવાસ ખોતું નથી.
કવિઓએ કમળના સૌદર્યના પણ ભરપુર વખાણ કર્યા છે. જેમ કે હ્દય કમળ, વદન કમળ, હસ્તકમળ, ચરણકમળ વગેરે આવા સુવાસિત કર્મોમાં રત કમળને એટલે જ ભગવાન વિષ્ણુએ પોતાના હાથમાં ધર્યુ છે. શ્રી બ્રહ્માએ તેને પોતાનું આસન બનાવ્યું છે, અને લક્ષ્મીજી એ પોતાનું નિવાસસ્થાન તરીકે પસંદ કર્યુ છે.