
માનવ હાથ પુરૂષાર્થનું પ્રતિક છે. આપણા શાસ્ત્રોએ આપણા પુરૂષાર્થી હાથનું દરરોજ સવારે દર્શન કરવા જણાવ્યું છે. કારણકે હાથના મૂળ ભાગમાં દેવી શારદાનો વાસ છે. તેના આગળના ભાગમાં દેવી લક્ષ્મીનો તેમજ હાથની વચ્ચે ગોવિન્દનો વાસ છે. શારદા એટલે કે સરસ્વતી, વિદ્યા, લક્ષ્મી એટલે કે ઘન સંપત્તિ તેમજ ગોવિંદ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ કહેવાનો મર્મ એટલો જ કે વિદ્યા, ધનસંપત્તિ અને ઈશ્વર ત્રણેયને પ્રાપ્ત કરવાએ માણસના હાથની વાત છે. આમ, પુરૂષાર્થનો મહિમા અપરંપર છે, અને તેનો બીજો વિકલ્પ જ નથી. માણસે પાણી પીવુ હોય તો કૂવા પાસે જવું પડે છે, કૂવો તેની પાસે આવવાનો નથી. માણસે સવારે હાથના દર્શન કરી પુરૂષાર્થે લાગવું જોઈએ અને નિશ્ચિત લક્ષ્યને પ્રાપ્ત કરવું જોઈએ. પુરૂષાર્થી હાથ સમગ્ર સમાજની સશકતતાનું પ્રતિક છે. પુરૂષાર્થ વગર મેળવેલો પૈસો પા૫ની નિશાની છે અને એ માત્ર વ્યકિતનું જ નહિ સમગ્ર સમાજનું પતન નોતરે છે. ભગવત ગીતામાં પણ પુરૂષાર્થનો મહિમા ગાવામાં આવ્યો છે. માનવ તુ કાર્ય કરતો જા, પુરૂષાર્થનો મહિમા ગાવામાં આવ્યો છે. માનવ તુ કાર્ય કરતો જા, પુરૂષાર્થ કરવામાં પાછુ: વાળીને ન જો તને તારા પુરૂષાર્થનું ફળ અવશ્ય મળશે જ આપણા ઋગ્વેદમાં પણ કહેવાયું છે કે જયાં સુધી પુરૂષાર્થ કરીને માણસ થાકતો નથી ત્યાં સુધી ભગવાન પણ તેની સહાય કરવા આવતા નથી.
આવા મહિમાય પુરૂષાર્થની મહત્તા ઘટાડવામાં જ કેટલાક પ્રારબ્ધવાદીઓ ભાગ્યને વચ્ચે લાવ્યા છે. ગમે તેટલી મહેનત કરો ભાગ્યમાં હશે તેટલું જ મળશે. આ પ્રકારની ઘણી ઉકિતઓ આપણને સાંભળવા મળે છે. પરંતુ કોઈપણ પ્રકારનો પુરૂષાર્થ કર્યા વગર માત્ર ભાગ્યને ભરોશે બેસી રહેવું તે માત્ર આળસની નહિ, મહામુર્ખતાની નિશાની છે. દરેક પ્રરૂષાર્થથી મળનારા કાર્યફળમાં ઈશ્વર ઈચ્છા મહાન હોય છે તે સાચું પણ ઈશ્વર પોતે પણ પુરૂષાર્થીનો જ પક્ષ લેશે, કારણકે તે માટે તે તેઓ ખુદ માણસના હાથમાં ગોવિન્દ તરીકે બિરાજમાન છે. માણસ ગમે તેટલો શાહુકાર હોય કે ગરીબ, કુદરતે સુખરૂપી લક્ષ્ય તો બંને માટે સમાન અંતરે રાખ્યું છે. સુખની વિસ્તૃત વ્યાખ્યામાં નિરાંતની ઉંઘ એક મહત્વની નિશાની છે. સવારથી સાંજ સુધી મહેનત મજુરી કરી સતત પુરૂષાર્થ કરતો ગરીબ માણસ રાત્રે ઘસઘસાટ ઉંઘતો હોય છે, જયારે જીવનમાં પૈસા કમાવવાના ટુકા રસ્તાઓ અપનાવી પુરૂષાર્થનો તિરસ્કાર કરનાર રાત્રે સારી રીતે ઉંધી શકતો નથી તે હક્કિત છે. અહિં પણ પુરૂષાર્થ જ આગળ રહેલ છે. પુરૂષાર્થી વ્યક્તિની જ સહાય ભગવાન કરે છે, એટલે જ મહાભારતના યુધ્ધમાં અર્જનની સહાયમાં શ્રી કૃષ્ણ હાજર હતા.
માણસના હાથમાં સરસ્વતી, લક્ષ્મી અને શ્રી ગોવિંદનો વાસ છે અથાર્ત વિદ્યા, લક્ષ્મી તેમજ ખુદ ભગવાન ત્રણેય શક્તિ અને સામર્થ્યની નિશાની, આપણે પુરૂષાર્થી હાથનુ દરરોજ દર્શન કરી આ ત્રણેય શક્તિઓનું સ્મરણ કરી પુરૂષાર્થે લાગીએ અને નિશ્ચિત ફળ પ્રાપ્ત કરવા નિશ્ચિત બનીએ.