
અમારી આશ્રમની શાળા શરૂ થઈ ગઈ. શ્રી મશરૂવાળા અને પરીખ પાછળથી આવ્યા. બાપુ પખવાડિયે એક વાર આવતા ત્યારે અમારી સાથે બેસીને નાનીમોટી બધી બાબતોની ચર્ચા કરતા.
એક દિવસ બાપુ કહેવા લાગ્યા, ‘એક વાતની ચોખવટ કરી લઉં. તમે જે શાળા ચલાવો છો તે મારી નથી, તમારી છે. લોકો મને ઓળખે છે ને મારા પર વિશ્વાસ રાખે છે એટલે શાળાના ખર્ચનો બોજો મેં ઉઠાવ્યો છે. પણ તેથી શાળા મારી નથી થઈ જતી. હું અહીં જે કંઈ સલાહ આપું છું તે કેવળ સલાહ રૂપે લેજો. મારી સલાહ તમારે ગળે ન ઊતરે તો ફેંકી દેજો. તમારી સમજ પ્રમાણે તમને જે વસ્તુ સાચી લાગે તેનો જરાયે અચકાયા વિના અમલ કરતા જજો. અલબત્ત, હું તમારી સાથે રહેતો હોત અને તમારી પેઠે શિક્ષક બની શાળામાં કામ કરતો હોત તો તમને મારા મતના બનાવવાની પૂરેપૂરી કોશિશ કરતા. પણ હું શિક્ષકનું કામ કરતો નથી એટલે મારા વિચારો તમારા પર લાદવાનો મને અધિકાર નથી. તમારા પર મને ઇતબાર છે. તમે જે કંઈ કરશો તેથી કશું બગડવાનું નથી.‘
- કાકાસાહેબ કાલેલકર