
આશ્રમની સ્થાપનાના દિવસો હતા. અમે કોચરબના બંગલમાં રહેતા હતા. અધ્યાપક કર્વે પોતાની સંસ્થા માટે ફાળો ઉઘરાવવા અમદાવાદ આવ્યા હતા. તેઓ બાપુને મળવા આશ્રમમાં આવ્યા.
બાપુએ સૌ આશ્રમવાસીઓને એકઠા કર્યા અને સૌને તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા કહ્યું. પછી સમજાવવા લાગ્યા, ‘ગોખલેજી દક્ષિણ આફ્રિકા આવ્યા હતા ત્યારે મેં તેમને પૂછેલું કે આપના પ્રાંતમાં સત્યનિષ્ઠ માણસો કોણ કોણ છે ? તેમણે કહ્યું હતું કે હું મારું પોતાનું નામ આપી ન શકું. હું સત્યને માર્ગે ચાલવાની કોશિશ કરું છું ખરો; પણ રાજદ્વારી બાબતમાં કોઈ વાર મોઢામાંથી અસત્ય નીકળી જાય છે. હું જેમને જાણું છું તેમાં ત્રણ માણસ પૂરેપૂરા સત્યવાદી છે : એક અધ્યાપક કર્વે, બીજા શંકરરાવ લવાટે (તેઓ દારૂનિષેધનું કાર્ય કરતા હતા) અને ત્રીજા...‘ પછી બાપુ કહે, ‘સત્યનિષ્ઠ લોકો આપણે માટે તીર્થરૂપ છે. સત્યાગ્રહ આશ્રમની સ્થાપના સત્યની ઉપાસના માટે છે. એવા આશ્રમમાં કોઈ સત્યનિષ્ઠ મૂર્તિ પધારે તે દિવસ આપણે માટે મંગળ દિન છે. ‘
બિચારા કર્વે ગળગળા થઈ ગયા. કંઈ જવાબ જ ન આપી શક્યા. એટલું જ બોલ્યા કે, ‘ગાંધીજી, આપે મને ઠીક શરમાવ્યો. આપની આગળ મારી શી વિસાત ?‘
- કાકાસાહેબ કાલેલકર