ગુજરાતના પ્રતિભાસંપન્ન આચાર્ય એસ.આર.ભટ્ટનો જન્મ સુરત ખાતે તા. ૨૪-૨-૧૯૧૬ના રોજ થયો હતો. શાળા જીવન દરમિયાન જ તેમણે વિશાળ વાચન કર્યું હતું. અભ્યાસ પૂર્ણ કરી અધ્યાપક તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓ અમદાવાદની બી.ડી.આર્ટસ કોલેજમાં આચાર્ય તરીકે જોડાયા. ૨૭ વર્ષ સુધી આ સ્થાન પર અવિસ્મરણીય સેવા તેમણે બજાવી. શેકસપિયર સાથે ભટ્ટ સાહેબને ગાઢ આત્મીયતા હતી. તેઓ સાહિત્ય પર બોલે ત્યારે સોળે કળાએ ખીલી ઊઠતા. શ્રોતાઓ મુગ્ધ બની તેમની વાણીના ધોધ નીચે નહાતા. તેમણે ધાર્યું હોત તો એક સમર્થ લોકનેતા બની શકત. પણ શિક્ષક થવું એ એમને માટે જાણે કે વિધિ નિર્માણ હતું. એમણે શેકસપિયર સોસાયટીની સ્થાપના કરી. ૬૦,૦૦૦ રૂપિયા જેવી માતબર રકમ ઈંગ્લીશ ઈન્સ્ટિટયૂટની સ્થાપના માટે અર્પણ કરી હતી. શેકસપિયરની જન્મભૂમિ અને કર્મભૂમિ જોવા માણવાનો કાર્યક્રમ તેમના ચાહકો ઘડી રહ્યા હતા. તેવામાં આ લોક સાથેનો નાતો સદાને માટે તોડી ભટ્ટ સાહેબ એટલે અસ્ખલિત અને અવિરત અવાજ, અરધી સદીનો જીવતો-જાગતો અવાજ, અમદાવાદના અંતરાત્માનો અવાજ.