બાપુને દક્ષિણ આફ્રિકાથી હિંદુસ્તાન આવ્યે ઝાઝા દિવસ નહોતા થયા. કોઈ કારણે એમને મુંબઈ જવાનું થયું. ત્યાં તાવ આવ્યો. તેઓ શ્રી રેવાશંકરભાઈના મણિભવનમાં ઊતર્યા હતા. મહાદેવભાઈ એમની સેવામાં હતા. એક દિવસ તાવ સનેપાત સુધી પહોંચ્યો. તેમાં જ રાત્રે મહાદેવભાઈને જગાડીને કહેવા લાગ્યા, ‘મહાદેવ, આ બંગાળીઓ કલકત્તામાં કાલીને નામે કાલીઘાટના મંદિરમાં પશુહત્યા કરે છે. એમને કેવી રીતે સમજાવી શકાય કે એ ધર્મ નથી, મહા અધર્મ છે ? ચાલ, આપણે બંને જઈને ત્યાં સત્યાગ્રહ કરીએ ને એમને પશુહત્યા કરતાં અટકાવીએ. પછી ચિડાયેલા બંગાળી બ્રાહ્મણો આપણા પર તૂટી પડશે ને આપણા ટુકડેટુકડા કરી નાખશે. આ પશુહત્યા અટકાવવામાં આપણા પ્રાણ જાય તોયે શું ?‘
આ વાત મેં ખુદ મહાદેવભાઈને મોઢે સાંભળી હતી.
- કાકાસાહેબ કાલેલકર