
સમૂદ્ર્ની પૂજા પણ રક્ષાબંધનના પવિત્ર દિવસે જ એટલે કે પૂર્ણીમાના દિવસે જ કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં લોકો ખાસ કરીને વેપારીઓ વેપાર માટેની લાંબી સમુદ્ર સફરો, વહાણો દ્વારા ખેડતા, સમુદ્રમાં આ વહાણોને અનેક વિધ્નોનો સામનો કરવો પડતો, જેમાં દરિયાઈ તોફાનોથી માંડીને સમુદ્રી ચાંચીયાઓની લૂંટફાટનો પણ સામનો કરવો પડતો. પોતાના વહાણો વેપાર અર્થે સલામતીપૂર્વક આરોહણ કરે અને વેપાર કરી સલામતીપૂર્વક પાછા આવે તે ખૂબ જ જરૂરી હતું તો જ વેપારીઓની સુખ-સમૃધ્ધિમાં વધારો થઈ શકે. આ માટે સમુદ્ર અગત્યનું પરિબળ હતો. આ બધા વિધ્નોમાંથી પાર ઉતરવા માટે તેની પ્રસન્નતા જરૂરી હતી. આ માટે લોકો સમુદ્રનું પૂજન કરતા. આ પરંપરા અત્યાર સુધી ચાલું રહી છે. અને તેની પૂજા કરવામાં આવે છે. લોહાણા લોકો તો સમુદ્રને પોતાના દેવ માને છે અને વર્ષભર દરિયાલાલની પૂજા કરે છે.
સમુદ્ર પૂજા પાછળ એક બીજો મર્મ પણ રહેલો છે. આપણી સ્નાન આદી ક્રિયાઓ ના મેલ તેમજ વનના ઝાડ-પાન તેમજ અન્ય કચરાઓ – કાંપ ગંદુ પાણી વગેરે નદીમાં જાય છે, અને અંતે તે સાગરમાં એકઠા થાય છે, છતાં પણ સમુદ્ર વિશાળ હ્યદયે આ ખરાબ તત્વોને ખેલદીલીપૂર્વક પોતાનામાં સમાવી લ્યે છે. અને જરાપણ વિચલિત થતો નથી. તેથી તેનું પૂજન કરવું તેનું યોગ્ય સન્માન કર્યું ગણાય. સમુદ્ર પૂજા ઉપરથી માનવને એવો ઉપદેશ પણ મળે છે કે તેની જેમ વિશાળ હ્યદયના બનો, જેમ સમુદ્ર તેને પોતાને અણગમતા કચરાઓ ખેલદીલીપૂર્વક પોતાનામાં સમાવી લ્યે છે. તેજ રીતે માનવે પણ સમાજમાં રહેલ વિકૃતિઓ સંયમભાવ કેળવી કડવા ઘૂંટડાઓ પણ પોતાના ગળે ઉતારી જવા અને આવા કડવા ઘૂંટડાઓ પીનારાઓ જ અંતે મહાન બને છે. જે રીતે દેવો અને દાનવો વચ્ચે થયેલા સમુદ્ર મંથનમાંથી જે ઝેર નીકળેલ તે શિવજી પી ગયેલા અને નીલકંઠ બનેલા. આ ઉપરાંત સમુદ્રમાં સતત ભરતી-ઓટ આવ્યા કરે છે. ભરતી સમયે સમુદ્ર ખળભળી ઉઠે છે છતાં પણ તે જરાપણ વિચલીત થતો નથી. તે જ રીતે માનવે પણ જીવન સાગરમાં ઉભી થતી સુખદુઃખ રૂપી ભરતી-ઓટતો ઠંડા કલેજાથી સામનો કરવો અને જરાપણ પોતાની સૌમ્યતા ગુમાવવી નહિ.
સમુદ્ર પોતે ખારો છે. પરંતુ તે પોતાની જાતને સુર્યના તડકામાં તપાવે છે. તેના પાણી માંથી વરાળ ઉત્પન્ન થાય છે, અને તેના વાદળો બને છે અને સમગ્ર જગતને મીઠું પાણી મળે છે. પોતાની જાતને ઉકાળીને પણ બીજાને ઠંડક પહોંચાડવાનું સમુદ્રનું આ મહાન કર્મ હક્કિતમાં તેને એક મહાત્માના આસને બિરાજે છે, આજના દિવસે સમુદ્ર પૂજા કરીને આપણે તેના માનવજાત ઉપરના ઉપકારોને યોગ્ય અદર્ય આપીએ.