હોમ
રતુભાઈ અદાણી
-
ગાંધીમૂલ્યોના સાચા વારસદાર, વિરાટ સંસ્થા સમાન રતુભાઈ અદાણીનો જન્મ તા. ૧૩-૪-૧૯૧૪માં ભાણવડ મુકામે થયો હતો. પ્રાથમિક શાળામાં શિક્ષણ દરમિયાન જ ખાદી ધારણ કરી ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકનાં લખાણો વાંચી રાષ્ટ્રભાવના દ્રઢ થઈ. ધોલેરા છાવણી પર કૂચ લઈ જતા તેમને ગિરફતાર કર્યો, જેલના જડ નિયમોના વિરોધમાં જેલમાં પણ સત્યાગ્રહ આરંભ્યો. જેલમાં રવિશંકર મહારાજના સહવાસથી ‘ગીતા’ શીખ્યા. જેલમાંથી છૂટયા બાદ રચનાત્મક પ્રવૃત્તિનું થાણું નાંખી ‘સર્વોદય મંદિર’સંસ્થા શરૂ કરી. ગામડાઓમાં લોકશિક્ષણનું કાર્ય કર્યુ. ‘આરઝી હકુમત’ ની લોકસેનાના સરસેનાપતિ તરીકે આયુધો ધારણ કરી રતુભાઈએ જૂનાગઢના મોરચા પર પ્રશસ્ય કામગીરી બજાવી. ગૃહખાતા તરફથી રતુભાઈની માનદ પોલીસ ઇંસ્પેકટર તરીકે નિમણૂક કરવામાં આવી. ચૂંટણીમાં કેશોદમાંથી જંગી બહુમતીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. ગુજરાત રાજ્યની સ્થાપના પછી મંત્રીમંડળમાં અગત્યનું સ્થાન મેળવ્યું. રતુભાઈ પાસે કુશળ સ્થપતિની કલાદ્રષ્ટી અને અનોખા આયોજનશક્તિ હતી. કેશોદની અક્ષયગઢની હોસ્પિટલને માત્ર રુગ્ણાલય જ નહિ પણ રળિયામણું આરોગ્યધામ બનાવ્યું. તેમણે ગ્રામજીવનના અનુભવી લખવા કલમ ઉઠાવી. ઉતરાર્ધમાં શારીરિક પીડાને પણ ધીરજથી સહન કરી લીધી. ઈ. ૧૯૯૭ના એક દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા તેમની ચિરવિદાયથી ગુજરાતે ગાંધીયુગનો મેઠ્ઠી ઊંચેરો માનવી ગુમાવ્યો.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved