હોમ
શીતળા-સાતમ ( ટાઢી સાતમ)
-
આપણી ભારતીય સંસ્કૃતિએ માત્ર ઝાડ-પાન, પશુ-પક્ષી જેવા સજીવો જ નહિ પરંતુ જડત્વ ધરાવતા સાધનોનો પણ મહિમા ગાયો છે. આ પાછળનો ઉદ્દેશ એજ રહેલ છેકે જે કંઈ પણ આપણને ઉપયોગમાં આવે છે તે આપણી ઉપર ઉપકાર કરે છે અને તેના ઉપકારનો યોગ્ય બદલો વાળવો આપણી પવિત્ર ફરજ છે. તેથી જ બહેનો રાંધણ છઠ્ઠના દિવસે રસોઈ બનાવી લીધા પછી ચૂલા જેવા રાંધવાના સાધનોની પૂજા કરે છે અને તેની ઉપર રાંધેલો ખોરાક તેના પછીના એટલે કે શીતળા સાતમને દિવસે ભોજનમાં લ્યે છે.
આ રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ જે શ્રાવણ માસમાં સુદ અને વદ બંનેમાં આવે છે. મહિમા આપણને તત્વજ્ઞાન આપે છે કે માનવજીવનમાં કોઈપણ વસ્તુ બીનઉપયોગી નથી, અને કર્મ જ મહત્વનું છે પછી તે સજીવ હોય કે નિર્જીવ ઘરમાં સ્થાપીત ચૂલો કે સગડી નિર્જીવ હોવાં છતાં પણ આપણને બે કે ત્રણ ટાઈમ ખોરાક પકાવી આપે છે, અને સ્વયં પોતાની જાતને અગ્નિનો ભયંકર તાપ સહન કરીને પણ આ કાર્ય આપણા માટે કરે છે. તો તેને તો ગૃહ દેવતાનું જ સ્થાન મળવું જોઈએ ને તેથી જ મહિલાઓ તેના પ્રત્યે આભારવશ થઈને તેની પૂજા ચૂલામાં આંબાનો છોડ મૂકીને કરે છે જેથી તે કેરી જેવા મધુર ફળના સ્વાદવાળી રસોઈ પકવતો રહે. આ દિવસે માત્ર ચૂલા કે સગડીની જ પૂજા નથી થતી સાથે મહિલાઓ દ્રારા ધંટીની કિસાનો દ્વારા હળની, વ્યવસાયીઓ દ્વારા ત્રાજવાની અને વિદ્ધાનો પોતાના પુસ્તકોની પૂજા કરવાનુ: ચૂકતા નથી. હકિકતમાં આની પાછળનો ઉદ્દેશ એવો પણ રહેલો છે કે જો આપણે કોઈપણ જડ સાધન સામગ્રીની પૂજા કરીને તેની વ્યવસ્થિત જાળવણી કરતા રહીએ તો તે પૂર્ણ ગુણવતાથી આપણને સાધક નીવડી શકે. આ દ્રષ્ટિ બિંદુને ધાર્મિક રીતે વણી લેવામાં આવ્યું છે. હક્કિતમાં કોઈપણ ઉપયોગી સાધનની સારી રીતે જાળવણી કરવામાં આવે તે પણ એક પ્રકારની તેની પૂજા જ છે. એક પુસ્તકની સારી રીતે જાળવણી કરવાની અનેક વ્યકિતઓના જ્ઞાનમાં વધારો કરવામાં ઉપયોગી બને છે. રામાયણ, મહાભારત, ચરકસંહિત જેવા વૈદ્કિ ગ્રંથોનું લખાણ જો આપણને ઉપલબ્ધ બન્યું ન હોત તો આપણી ભવ્ય સંસ્કૃતિ કે આયુર્વેદ વિશે આપણને કોઈ જાણકારી જ મળી શકી ન હોત. જો જડ સાધનોની પૂજાને વ્યાપ્ક દ્દષ્ટિથી જોઈએ તો હાથ, પગ, વાળ, દાંત, કાન, આંખ વગેરે શરીરના અંગો તેમજ સંપૂર્ણ શરીરને સ્નાન આદી ક્રીયાઓથી સ્વચ્છ રાખવું એ પણ એક પ્રકારની તેની પૂજા જ થઈ ગણાય. આ દિવસે શીતળા-સાતમ પણ કહેવામાં આવે છે કારણકે સાધનોની પૂજા એક પ્રકારની કાર્યની પૂજા જ છે, અને શીતળામાતા ખુદ સેવાની દેવી છે. તેથી જ તેમને પ્રસન્ન કરવા હોય તો આ દિવસે સાધનોની પૂજા કરવી જોઈએ.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com