‘શેષ’, ‘દ્વિરેફ’, ‘સ્વૈરવિહારી’જેવા વિવિધ તખલ્લુસોથી સાહિત્યના વિવિધ ક્ષેત્રોની સાધના કરનાર પ્રાજ્ઞ વિદ્યાપુરુષ રામનારાયણ પાઠકનો જન્મ તા. ૮-૪-૧૮૮૭ના રોજ ધોળકા પાસેના એક ગામમાં થયો હતો. મેટ્રિક પાસ થયા પછી એલ.એલ.બી.થઈ વકીલાત કરવા લાગ્યા. પણ પોતાનો જીવ તેમાં ન લાગતા, જેમાં મોટી કમાણીની શક્યતા ન હતી તેવા શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રમાં પોતાની કારકિર્દી શરૂ કરી. તેમના સાહિત્યિક વિકાસના નિમિત્તરૂપે ‘પ્રસ્થાન’ માસિકનો પ્રારંભ થયો. જેના દ્વારા તેમણે સાહિત્યના વિવિધ ક્ષેત્રે વિહાર કર્યો. પોતાના નામમાં બે ‘૨’ કાર આવતા હોવાથી પોતાનું ઉપનામ ‘દ્વીરેફ’ રાખી તેમણે દ્વિરેફની વાર્તાના ત્રણ ભાગ પ્રગટ કર્યા. ‘શેષના કાવ્યો’ જેવા નમૂનેદાર કાવ્યસંગ્રહ પણ આપ્યો. સ્વૈરવિહાર ભાગ-૧-૨માં હળવી શૈલીના નિબંધો પણ સંગ્રહાયા છે. સાહિત્યક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન બદલ તેમને અનેક સન્માન, પારિતોષિકો પ્રાપ્ત થયા છે.? જેમાં ‘નર્મદ સુવર્ણચંદ્રક’, ‘મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક’ તેમજ ‘હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક’ નો સમાવેશ થાય છે. ઈ. ૧૯૫૫ના એક દિવસે હ્વદયરોગના હુમલાથી પાઠક સાહેબનું નિધન થયું. સાક્ષરયુગ અને ગાંધીયુગના ઉંબરે ઊભેલા પાઠકસાહેબ ‘ગાંધીયુગ’ ના સાહિત્યગુરુ તરીકે બહોળા શિષ્યવર્ગના અપાર પ્રેમ અને આદર પામ્યા.