
પંજાબના અત્યાચાર, ખિલાફતનો સવાલ અને સ્વરાજ, એ ત્રણ સવાલ લઈને બાપુએ દેશવ્યાપી ચળવળ શરૂ કરી. ભારતના ઇતિહાસમાં એ એક અપૂર્વ ચળવળ હતી. તેમાં હિંદુ – મુસલમાન એક થયા હતા. એ અદ્દભુત ર્દશ્ય જોઈને અંગ્રેજો પણ ગભરાયા. સરકારને લાગવા માંડ્યું કે ગાંધીજી સાથે કંઈને કઈ સમાધાન કરવું જોઈએ. વાઈસરૉયે બાપુને મળવા બોલાવ્યા.
પંજાબનો અત્યાચાર શરૂ થઈ ચૂક્યો હતો. એ વિશે જનરલ ડાયરને કે કોઈને સજા કરાવવાની શરત પણ બાપુએ મુકવા ન દીધી. સરકાર પોતાની ભૂલ કબૂલ કરી લે તો એ સવાલ પતી જાય.
બાકી આ બાબતો હતી. એમાં ખિલાફત વિશે વાઇસરૉયની દલીલ એવી હતી કે ખિલાફતનો સવાલ હિંદુસ્તાનનો નથી, એ આંતરરા્ષ્ટ્રીય રાજકારણનો છે. એમાં ઘણી નાજુક બાબતો રહેલી છે. એ સવાલ છોડી દો અને કેવળ સ્વારાજ્ય વિશે વાત કરો તો આપણી વચ્ચે સમાધાન થઈ શકશે. બાપુએ કહ્યું, ‘એ ન બને. હિંદુ મુસલમાનો હિંદનું મહત્વનું અંગ છે. તેમના દિલમાં અન્યાયનો આઘાત છે. એ તરફ મારાથી ઉદાસીન ન રહેવાય.
આ મુદ્દા પર સમાધાનની વાત પડી ભાંગી. દેશના મોટા મોટા નેતાઓએ ખાનગી વાતચીતમાં ગાંધીજીનો વાંક દીઠો. તેમનું કહેવું એવું હતું કે ખિલાફતનો સવાલ હિંદુસ્તાનનો નથી. એને છોડી દેવામાં શો વાંધો હતો ? સ્વરાજ્ય તો મળી જાય ને ! (તે વખતે આપણી સ્વરાજ્યની કલ્પના આજના જેવી શુદ્ધ અને નિશ્ચિત નહોતી. જે કંઈ મળત તેને જ ધણુંખરૂં લોકો સ્વરાજ લોકો સ્વરાજ સમજીને સ્વીકારી લેત અને મોટી રાજનૈતિક પ્રગતિ થયેલી માની લેત.) પરંતુ બાપુની સામે આપણા રાજદ્વારી ચારિત્ર્યનો પ્રશ્ન હતો. મુસલમાનોને સાથ આપ્યો, તેમના દુઃખને પોતાનું દુઃખ માન્યું અને હવે પોતાની વસ્તુ મળતી દેખી તેમને તરછોડવામાં દગો થાત. આમ દગાબાજી કરી જે કંઈ મળે તે બાપુની ર્દષ્ટિએ મેલ હતુ;. એટલે પોતાનો શુદ્ધ નિર્ણય વાઇરૉયને જણાવતાં તેમને જરાય સંકોચ ન થયો.
- કાકાસાહેબ કાલેલકર