‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ના સ્થાપક અને સંવર્ધક શ્રી રણજિતરામ મહેતાનો જન્મ સુરતમાં ઈ. ૧૮૮૨ માં થયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઉમરેઠની શાળામાં હેડમાસ્તર તરીકે જોડાયા. અમદાવાદમાં ‘સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશન’ નામની એક સંસ્થાના સભ્ય થઈ સહમંત્રી બન્યા હતા, અને ‘ગુર્જર સાક્ષર જયંતીઓ’ ઉજવવાની શરૂઆત કરાવી હતી. ‘સાહિત્ય’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘નવજીવન’ એમ અનેક સામાયિકોમાં લગભગ નિયમિત પણે લેખમાળા ચલાવતા હતા. તેમણે સાહેબરામ અને સહિયરો એમ બે અધૂરી નવલકથાઓ લખી છે. ગુજરાતી સાહિત્યસભા, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુર્જર સાક્ષર જયંતીઓની યોજના, સાહિત્યતથા કલાનાં પ્રદર્શનો, ગુજરાતી કેળવણી પરિષદ વગેરે પ્રવૃતિઓ હાથ ધરીને ગુજરાતની અસ્મિતાના વિકાસમાં અસામાન્ય ફાળો આપી મુલ્યવાન કામ કર્યું છે. ૧૯૧૫ના પાંચમાં અધિવેશન સમયે તો સુરતમાં તેઓ સાહિત્ય પરિષદના મંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ માંડ બે વર્ષ કામગીરી બજાવી અને તરવા જતાં, પાણીમાં ડૂબીને અવસાન પામ્યા. એક કરુણ દુર્ધટના સર્જાઈ. એ દિવસ હતો તા. ૪-૬-૧૯૧૭. રણજિતરામના નિંબધો એ બે ગ્રંથો તેમના અવસાન પછી ગુજરાત સાહિત્ય પરિષદે પ્રગટ કરેલા મૂલ્યવાન ગ્રંથો છે. આજે પણ પ્રતિવર્ષ ગુજરાતી ભાષામાં ઉત્તમ કૃતિ રચનાર સાહિત્યકારને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અર્પણ કરી બહુમાન કરાય છે.