વાદળ ઢગલો થઇને વરસવાના બદલે ટીપે ટીપે શા માટે વરસે છે ?
આપણે એવું માનતા હોઇએ, ધારતા હોઇએ કે, જયારે હવા પૂરતા પ્રમાણમાં ઠંડી થઇ જાય ત્યારે તેની અંદર રહેલી પાણીની વરાળ પ્રવાહી થઇ જવી જોઇએ અને તેને એકસામટા ઢગલો થઇને વરસી જવું પડે. પરંતુ આવું બની શકે નહીં અને બનતું પણ નથી, કારણ કે પાણીનું વરાળમાંથી પ્રવાહી થવા માટે અમુક પરિસ્થિતિ હોવી જોઇએ. વરાળ ઠંડી બનીને પ્રવાહી-રૂ૫ ધારણ કરે ત્યારે તે વરાળની આજુબાજુમાં કોઇક પદાર્થના નક્કર કણો કે બિંદુઓ હોવાં જોઇએ, કે જેથી આ વરાળ તેના ફરતી પ્રવાહી બનીને એકઠી થઇ શકે, અને તેથી, વરસાદ ટીપે ટીપે વરસે છે.
આપણે એમ પણ કહી શકીએ કે, વરસાદના ટીપાંને નીચે આવવા માટે કશોક આધાર જોઇએ. પદાર્થોના જે કણો, પ્રવાહી બનેલી વરાળના જળબિંદુઓને નીચે લાવવામાં / આવવામાં મદદ કરે છે તે નાના કે મોટા હોઇ શકે છે. આવા કણો મોટાભાગે ધૂળનાં હોય છે.
તદુપરાંત એવું પણ શોધી કાઢવામાં આવ્યું છે કે, હવામાં જે જુદા જુદા વાયુઓ હોય છે તેના અણુઓ વીજળીની અસરથી અમુક ચોક્કસપણે વિભાજિત થાય છે, અને તે કણો પર વરસાદનાં બિંદુઓ બને છે. આવી રીતે વરાળ કોઇ ને કોઇ પદાર્થના અલગ અલગ કણો ઉપર પ્રવાહી બનીને એકઠી થતી હોવાથી વાદળમાંથી જમીન ઉપર ટીપે ટીપે પાણી વરસે છે.