૧૯૩૮માં કાઠિયાવાડના રાજકોટ રાજ્યમાં ઢેબરભાઈની આગેવાની હેઠળ પ્રજાકીય આંદોલન ચાલુ થયું. રાજકોટના ઠાકોર ધર્મેન્દ્રસિંહજીએ એમના દીવાન વીરાવાળાની સલાહ અનુસાર આંદોલનને ડામી દેવા બળપ્રયોગ કર્યો. રાજકોટ સાથે ગાંધીજીને જૂનો કૌટુંબિક સંબંધ હોઈ તેઓ રાજકોટ ગયા અને રાજકોટના રાજવીને વલ્લભભાઈ પટેલ સાથે કરેલી સમજૂતી પાળવાની વિનંતી કરી. રાજવીએ એ વિનંતિ ઠુકરાવી દીધી એટલે
ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા. વાઈસરૉયે દરમિયાનગીરી કરી લવાદ નીમવાની ખાતરી આપતા ગાંધીજીએ ઉપવાસ છોડ્યા. ૭મી ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ કૉંગ્રેસ મહાસમિતિ મુંબઈમાં મળી. એને સંબોધતા ગાંધીજીએ બ્રિટિશરોને ભારત છોડી જવા હાકલ કરી. દેશની પ્રજાને ‘કરેંગે યા મરેંગે.‘ નો મંત્ર આપ્યો. લડત શરૂ કરતા પહેલા તેમણે વાઈસરૉયને મળવાની ઈચ્છા બતાવી, પરંતુ એ પહેલાં જ તેમની ધરપકડ કરી લેવામાં આવી.ગાંધીજી અને દેશના અન્ય આગેવાનોની ધરપકડને કારણે દેશભરમાં બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં તોફાનો થયા. ગાંધીજીએ જેલમાં ઉપવાસ શરૂ કર્યા. ગાંધીજીને પૂણેના આગાખાન મહેલમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા.
જ્યાં ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ તેમના રહસ્યમંત્રી મહાદેવભાઈ દેસાઈનું નિધન થયું. ૨૨મી ફેબ્રુઆરી, ૧૯૪૪ના રોજ આગાખાન મહેલમાં ગાંધીજીના પત્ની કસ્તૂરબાનું નિધન થયું.
નોઆખલીમાં
કસ્તૂરબાના અવસાન પછી ગાંધીજી ભાંગી પડ્યા હતાં. એમાં તેમને મેલેરિયાની બીમારી લાગુ પડી. આથી વાઈસરૉય લૉર્ડ વેવલે ૬ઠ્ઠ મે, ૧૯૪૪ના રોજ ગાંધીજીને નજરકેદમાંથી મુક્ત કર્યા. જેલમાંથી છૂટ્યા પછી ગાંધીજી મુંબઈ ગયા. અહીં તેમણે મુસ્લિમ લીગના નેતા મહમદઅલી ઝીણા સાથે લાંબી મંત્રણા કરી. પણ એ મંત્રણા સફળ ન રહી. મહમદઅલી ઝીણા હિન્દુસ્તાનથી અલગ થઈ મુસ્લિમો માટે નવો દેશ પાકિસ્તાન સ્થાપવા માગતા હતા. ઑક્ટોબર, ૧૯૪૬માં નોઆખલીમાં હિન્દુ-મુસલમાનો વચ્ચે હિંસક તોફાનો થયા. હિંસાના આ સમાચાર જાણી ગાંધીજી નારાજ થયા. તેઓ નોઆખલી જવા નીકળ્યા. છઠ્ઠી નવેમ્બર, ૧૯૪૬થી બીજી માર્ચ, ૧૯૪૭ એમ લગભગ ચાર માસ સુધી ગાંધીજી નોઆખલીમાં રહ્યા. ગાંધીજીના નોઆખલીમાં રોકાણને કારણે હિન્દુ-મુસ્લિમો વચ્ચે સદ્દભાવ વધ્યો.
માઉન્ટબેટન સાથે મુલાકાત
ગાંધીજી નોઆખલીમાં હતા એ દરમિયાન બિહારમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે કોમી રમખાણો ફાટી નીકળ્યા. આથી નોઆખલીથી ગાંધીજી બિહાર જવા રવાના થયા. ગાંધીજી નોઆખલીમાં હતા તે દરમિયાન અંગ્રેજ સરકારે ભારત છોડી જવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી. નવા નિયુક્ત થયેલા વાઈસરૉય લૉર્ડ માઉન્ટબેટને ગાંધીજી અને મહમદઅલી ઝીણાને પોતાને મળવા બોલાવ્યા તેથી ગાંધીજી પટણા (બિહાર)થી માઉન્ટબેટનને મળવા દિલ્હી ગયા. જ્યાં ૩૧મી માર્ચ, ૧૯૪૭ના રોજ તેઓ માઉન્ટબેટનને મળ્યા. આ મુલાકાત દરમિયાન માઉન્ટબેટને ભારતને અવિભાજિત રાખવા માટેની યોજના ગાંધીજી સમક્ષ રજૂ કરી. ગાંધીજીએ એ યોજના કૉંગ્રેસ કારોબારી સમિતિના સભ્યો સમક્ષ મૂકી જે સ્વીકારાઈ નહીં. આ પછી ગાંધીજી પુનઃ માઉન્ટબેટનને મળ્યા અને તેમની સમક્ષ દેશનો વહીવટ મુસ્લિમ લીગને અને જો લીગ ન સ્વીકારે તો કૉંગ્રેસને સોંપી ભારત છોડી જવાનું સૂચન કર્યું. ગાંધીજીનું આ સૂચન માઉન્ટબેટને ન સ્વીકાર્યું.