
પ્રિટોરિયામાં ગાંધીજી રોજ સાંજે ઘેરથી નીકળી ખુલ્લા મેદાનમાં ફરવા જતા હતા.
રસ્તાની બાજુ પર પગથી હતી તેના ઉપર ચાલીને તેઓ જતા. એ જ રસ્તા ઉપર ત્યાંના વડા પ્રમુખ ક્રૂગરનું ઘર આવ્યું હતું. તદ્દન સાદું ઘર હતું. બહાર સિપાઈ પહેરો ભરે તે પરથી જ લાગે કે કોઈ રાજપુરુષનું ઘર હશે.
રોજ આ રસ્તે થઈને જ ગાંધીજી જતા. રોજ આ વડા પ્રધાનના ઘર પાસેથી તેઓ નીકળતા અને પહેરાવાળાની પાસે થઈને પસાર થતા, પણ આજ સુધી કોઈ બોલ્યું નહોતું.
પણ આજે પહેરાવાળો બદલાયો હશે. તેને થયું, "અરે, આ કાળો ‘કુલી‘ પગથી ઉપર ચાલે છે ? અને તે પણ વડા પ્રમુખના આંગણા પાસે જ ! એની ખોડ ભુલાવવી જોઈએ."
એ તો કંઈ બોલ્યો નહીં, ચાલ્યો નહીં, ન પગથી પરથી ઊતરી જવાનું કહ્યું, પણ પાસે જઈને ગાંધીજીને એકદમ ધક્કો માર્યો, લાત મારી અને પગથી ઉપરથી ઉતારી મૂક્યા.
આ અચાનક હુમલાથી ગાંધીજી ચમક્યા. ઊભા થઈને તેઓ સિપાઈનો જવાબ લેવા જતા હતા ત્યાં સામેથી આવતો એક ઘોડેસવાર બોલી ઊઠ્યો, "ગાંધી, આ બધું મેં જોયું છે. એના ઉપર કેસ કરવો હોય તો હું સાક્ષી પૂરીશ."
આ ઘોડેસવાર એક ગોરો હતો અને ગાંધીજીનો મિત્ર હતો. ગાંધીજીએ જવાબ આપ્યો, "ના રે ભાઈ, એમાં કેસ શો માંડવો ? એ તો અમારા બીજા બધા લોકોની સાથે વર્તતો હશે તેમ મારી સાથે પણ વર્ત્યો."
મિત્ર બોલ્યો, "નહીં, નહીં. એવા માણસને તો પાઠ શીખવવો જ જોઈએ."
ગાંધીજીએ સમજાવ્યું, "બધા જ ગોરાઓ અમને ‘કુલી‘ ગણીને તિરસ્કાર કરે ત્યાં બિચારા આ અજ્ઞાન સિપાઈનો શો વાંક ?"
પછી તો આ ગોરા મિત્રે સિપાઈને સમજણ પાડી ત્યારે તેણે જઈ ગાંધીજીની માફી માગી.