હોમ
પૂજ્ય ડોંગરેજી મહારાજ
-
ગુજરાતની પ્રજાને કથામૃતનું પાન કરાવનાર રામચંદ્ર કેશવદેવ ડોંગરેનો જન્મ તા. ૧૫-૨-૧૯૨૬ એટલે કે સંવંત ૧૯૮૨ ના ફાગણ સુદ ત્રીજના રોજ વડોદરામાં થયો હતો. માત્ર આઠ વર્ષની ઉંમરે અભ્યાસર્થે પંઢરપુર મોકલવાની દાદાજીની ઈચ્છાને શિરોમાન્ય રાખી પોતે ત્યાં ગયા. ભારપૂર્વક ગુરુ પાસે સતત સાત વર્ષ અધ્યયનરૂપે પુરાણો, વેદો અને વેદાંતોનો ગહન અભ્યાસ કર્યો. આવા તપરૂપ અધ્યયનના પરીણામે તેમના જીવનમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ રચાયો. વધુ અભ્યાસાર્થે તેઓ કાશી ગયા. અધ્યયનબાદ કથા કહેવાનું શરૂ કરતા સૌ પ્રથમ તેમની ભાગવત કથા પૂનામાં થઈ. કથામાં આવતી રકમ તેમણે મંદિરો – હોસ્પીટલોના નિર્માણ,જિર્ણોદ્વારમાં અર્પણ કરી. માત્ર કથાકાર જ નહીં પરંતુ ભાગવતના વાસ્તવિક દ્રષ્ટા અને વક્તા બની તેમણે કરેલી આ કથામાં જાણે ખુદ ભગવાનની જ વાણી ઊતરી હોય તેમ કથા મધુર અને પ્રેરક બની. ઓછા કટાક્ષ, અર્થસભર ટૂંકા દ્રષ્ટાંત અને શ્રોતાઓને ધર્મભાથુ ભરી દેવાનો ઈરાદો તેમની કથાના મુખ્ય હેતુ હતા. શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી એની શૈલીમાં વિદ્વતા અને ભાષા પ્રભાવ અદભુત હતા અને ભાગવતની જેમ રામાયણમાં તેઓ શ્રોતાઓને રસતરબોળ કરી દેતા. તેમની ચિરવિદાયથી ગુજરાતની જનતાએ ગૌરવશીલ અને ઉત્તમ કથાકાર ગુમાવ્યા. પૂજ્ય ડોંગરેજી મહારાજે એક ઉત્તમ કથાકાર તરીકે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com