લાછ ભણે રે, લખમી કેને ઘેર જાશો રે,
જેને ઘેર સામી ભીંતે સાથિયા રે.
લાછ ભણે રે, લખમી કેને ,ઘેર જાશો રે,
જેને ઘેર આદીતવારે ઘંવળી રે.
લાછ ભણે રે,લખમી કેને ઘેરે જાશો,
જેને ઘેર સમી સાંજે દીવડાં રે.
લાછ ભણે રે, લખમી કેને ઘેર જાશો રે,
જેને ઘેર સાસુ વહુ સુવાસણાં રે.
લાછ ભણે રે, લખમી કેને ઘેર જાશો રે.
જેને ઘેર બાપ બેટા લેખાં કરે રે.
લાછ ભણે રે, લખમી કેને ઘેર જાશો રે,
જેને ઘેર દેરાણી જેઠાણીનાં જોડેલાં રે.
લાછ ભણે રે, લખમી કેને ઘેર જાશો રે,
જેને ઘેર પુતર કેરાં પારણાં રે.
લાછ ભણે રે, લખમી કેને ઘેર જાશો રે,
જેને ઘેર મોભારે મોતી જડયાં રે.