
૩૧મી જુલાઈ, ૧૯૨૧ના રોજથી ગાંધીજીએ વિદેશી કાપડની જાહેરમાં હોળી કરવાનું શરૂ કર્યું. ગાંધીજીની વાણી સાંભળવા લોકો તેમની સભામાં ઊમટી પડતા. ગાંધીજીની હ્રદયસ્પર્શી વાણી સાંભળી લોકોમાં દેશભાવના પ્રબળ બનતી. મહિલાઓ પોતાના શરીર પરના ઘરેણાં ઉતારી ગાંધીજીના ચરણે ધરી દેતી. ગરીબોને ખાદી મોંઘી પડતી હોવાનું લાગતા ગાંધીજીએ ૨૨મી સપ્ટેમ્બર, ૧૯૨૧ના દિવસથી ટૂંકી પોતડી અને ઉપરના ભાગે ખાદીની ચાદરનો પહેરવેશ શરૂ કર્યો. અંગ્રેજ શાસકો સામેનું ગાંધીજીનું અહિંસક આંદોલન દેશભરમાં પ્રસરી ગયું હતું. ગામે ગામ સરઘસો નીકળતા હતા. તેમાં ઉત્તરપ્રદેશના ચૌરીચૌરા નામના ગામમાં સરઘસને કારણે હિંસા ભડકી ઊઠી. ગાંધીજીએ જ્યારે આ સમાચાર જાણ્યા ત્યારે તેમને આઘાત લાગ્યો. અંગ્રેજ સરકારે પ્રજાને સરકારના કાયદાનો ભંગ કરવાની સલાહ આપવાના આરોપ બદલ ગાંધીજીની ૧૦મી માર્ચ, ૧૯૨૨ના રોજ ધરપકડ કરીને છ વર્ષની સાદી કેદની સજા ફરમાવી.
કેદમાંથી છૂટકારો
પહેલા સાબરમતી જેલમાં અને એ પછી પૂણે પાસેની યરવડા જેલમાં ગાંધીજીને કેદ રાખવામાં આવ્યા હતા. પૂરા બે વર્ષની પણ સજા પૂરી થઈ નહીં હોય ત્યાં ગાંધીજીને ઍપેન્ડિક્સની બીમારી લાગુ પડી. સરકારે આથી તેમને ૫મી ફેબ્રુઆરી, ૧૯૨૪ના રોજ વિના શરતે છોડી મૂકયા. દેશના હિંદુ-મુસ્લિમો વચ્ચે ઠેર ઠેર કોમી રમખાણો થવાથી ગાંધીજીએ દિલ્હીમાં રહી ૨૧ દિવસના ઉપવાસ કર્યા હતા. એપ્રિલ, ૧૯૨૫માં ગાંધીજીએ ગાય અને ગૌવંશની સેવા કરવા માટે અખિલ હિંદ ગૌરક્ષા મંડળ નામની સંસ્થા સ્થાપી.
દાંડીકૂચ
વાઈસરૉય લૉર્ડ અર્વિને નવેમ્બર, ૧૯૨૭માં ભારતના નવા બંધારણ માટે ભલામણો કરવા સાઈમન નામના અંગ્રેના અધ્યક્ષપદે ગોરા સભ્યોનું કમિશન નીમ્યું. જેનો દેશના રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો. ઠેર ઠેર તેના વિરુદ્ધ દેખાવો થયા. ૨જી માર્ચ, ૧૯૩૦ના રોજ ગાંધીજીએ વાઈસરૉય લૉર્ડ અર્વિનને એક પત્ર લખી પ્રજાને પડતી કેટલીક હાડમારીનું વર્ણન કર્યું અને જો એ હાડમારી દૂર કરવામાં નહીં આવે તો પોતે મીઠાના કાયદાનો ભંગ કરશે એમ જણાવ્યું. ગાંધીજીએ ૧૨મી માર્ચ, ૧૯૩૦ના રોજ પોતાના ૭૮ સાથીદારો સાથે અમદાવાદથી ૩૨૯ કિલોમીટર લાંબી દાંડીકૂચનો પ્રારંભ કર્યો. ૫મી એપ્રિલે તેઓ દાંડી પહોંચ્યા. બીજે દિવસે તેઓએ દાંડીના દરિયાકિનારાની રેતીમાંથી ચપટી મીઠું ઉપાડી અંગ્રેજ સરકારના મીઠાના કાયદાનો ભંગ કર્યો. એ પછી દેશભરમાં લોકો દ્વારા ગેરકાયદે મીઠું પકવવાનું શરૂ થયું. દેશની મહિલાઓએ દારૂનાં પીઠા અને વિદેશી કાપડની દુકાનો પર હલ્લો કર્યો. સરકારે આ લડતને ડામી દેવા દમનનીતિ અપનાવી અનેક આગેવાન નેતાઓની ધરપકડ કરી. એના વિરોધમાં ગાંધીજીએ વાઈસરૉયને પત્ર લખી ધરાસણાના મીઠાના અગરો ઉપર કૂચ લઈ જવાની ચીમકી આપી. આથી સરકારે ગાંધીજીની ધરપકડ કરી તેમને યરવડા જેલમાં કેદ કરવામાં આવ્યા.