ભક્ત ભગવાનની પૂજામાં ફળ, જળ, પત્ર, ફૂલ વગેરે પૂજા સામગ્રીનો ઉપયોગ કરી તેને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે. ભકત દ્વારા ઉપયોગમાં લેવાતી આ પૂજા સામગ્રી તો માત્ર પ્રતિક સમાન છે. અસલ વસ્તુ ભક્તનો પ્રભુ પ્રત્યેનો ભાવ છે, અને પ્રભુ તે ભાવના આધારે જ પોતાના ભક્તની ભક્તિનું મૂલ્યાંકન કરતા હોય છે, અને ખુદ ભક્ત પણ આ વાત સારી રીતે જાણતો હોય છે. પરંતુ જેમ નિરાકાર ઈશ્વરની ઉપાસના માટે આપણે સાકાર પથ્થરની મૂર્તિ સામે બે હાથ જોડીને ઉભા રહીએ છીએ તેમ ભક્તની સાચી ભક્તિ તેની સાચી ભાવના ઉપર જ આધારીત હોય છે તે સનાતન સત્ય હોવાંછતાં પણ પ્રભુને પ્રસન્ન કરવા માટે કંઈક પ્રતિક તો જોઈએ જ ! આમ, પૂજા સામગ્રી અસ્તિત્વમાં આવી અને ફળ, જળ, પત્ર, ફૂલ વગેરેનો તેમાં સમાવેશ થયો.
ભગવાનની પૂજામાં આ પૂજા સામગ્રીના ઉપયોગ તેની પાછળ રહેલી લાક્ષણિકતાઓને કારણે થયો અહિં ઉપયોગમાં લેવાતુ ફળનો અર્થ છે. કર્મફળ માણસનું કર્મફળ, માણસે કરેલા કર્મોના એક પ્રકારનો હિસાબ, હિસાબનાં પ્રતિક તરીકે ભગવાનના ચરણે રજુ કરાતુ ફળ ઋતુ પ્રમાણે બદલાય છે. કયારેક તે કેળું હોય છે તો કયારેક જામફળ કે અન્ય પરંતુ ભગવાન આ (કર્મ) ફળ નો જ સ્વીકારે જો આપણા કર્મો બરાબર હોય આપણે કંઈ ખોટું કર્યુ ન હોય કે કોઈનું બુરૂં ઈચ્છયું ન હોય. આપણો હિસાબ ચોખ્ખો હોય તો ગમે તેટલા ઓડિટ આવે આપણને તેની ચિંતા રહેતી નથી તે જ રીતે જો આપણા સારા કર્મો હોય તો ભગવાન તે સ્વીકારશે કે નહિ તેની ચિંતા કરવાની જરૂર નથી તે (કર્મ) ફળનો ચોકકસ સ્વીકાર થશે જ, તે જ રીતે જેમ આપણે બગડેલા ફળ ખાતા નથી તેજ રીતે ભગવાન પણ આપણા વિવાદાસ્પદ (કર્મ) ફળ સ્વીકારતા નથી.
ભગવાનની પૂજા સામગ્રીમાં ઉપયોગમાં લેવાતું જળ અર્થાત પાણી એક પ્રવાહી જ છે. જીવનના મધુરરસનું પ્રતિક છે. આપણે જયાં સુધી સુખમાં સંપત્તિવાન હોઈએ ત્યાં સુધી જ ભગવાનને ન તો યાદ કરીએ કે ન તો તેને પૂજીએ અને તેને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ મને આ વિપત્તિમાંથી ઉગાર અને અગાઉ જેવી સુખ-સમૃધ્ધિથી માલામાલ તો ભગવાન આવી પ્રાર્થના સ્વીકારવાની મૂર્ખાઈ ન કરે, કારણકે જો તે આ પ્રકારના માણસની વિનંતી સ્વીકારે અને તેને સુખસમૃધ્ધિ આપ્ી દયે તો તે અગાઉની જેમ તેને ભૂલી જ જવાનો છે. એટલે જ પૂજા સામગ્રીમાં પ્રભુને ચરણે ધરાતુ જળ સૂચવે છે કે તમે રસમય જીવન જીવતા હો ત્યારે પણ ભગવાનને યાદ કરો તેની પૂજા પઠ કરો, સુખ સમૃધ્ધીમાં તમે તેને ભૂલી ન જાઓ. પૂજા સામગ્રીમાં પત્ર એટલે કે પાન કે પાંદડાનો પણ સમાવેશ થાય છે. ભગવાનને બીલીપત્ર, નાગરવેલના પન તેમજ અન્ય પાનો ચરણે ધરવામાં આવે છે. અહિં પાંદડાનો અર્થ વેદરૂપી જ્ઞાન, બુધ્ધિ એવો થાય છે. ભગવાનની પૂજા અર્ચના સમજણપૂર્વક કરાય છે તેવો અહિં ભાવાર્થ નીકળે છે. અહિં સમજણપૂર્વક એટલે કે ખરા હ્દયથી કે ભાવપૂર્વક, માત્ર પ્રતિકો ઘરીને િક્રયાકાંડોથી કે બાહ્યાડંબરપૂર્વક નહિ.
ભગવાનના ચરણે ધરાતુ ફૂલ ખુશ્બુદાર હોય છે, સુગંધિત હોય છે. તેજ રીતે પૂજા કરનાર ભક્તનું જીવનપણ તેના કર્મોથી સુવાસ ફેલાવતું હોવું જોઈએ. ફૂલ વ્યક્તિના શુધ્ધ ચારિત્ર્યનું પ્રતિક પણ છે. આમ, પૂજા સામગ્રીના પ્રતિકો કઈને કંઈ પ્રેરણા આપે છે.