આપણે પ્લોટના ખૂણા તથા તેમના વધારા વિશે વિચાર કર્યો હતો, હવે એક મહત્વની બાબત ચર્ચવાની છે કે પ્લોટથી કઈ કઈ દિશાઓમાં રસ્તા પડતા હોય તે સારૂ ગણાય.
જે પ્લોટમાં પૂર્વ તરફ રસ્તો નીકળતો હોય એટલે કે પૂર્વ દિશામાં રોડ પસાર થતો હોય તો ત્યાં રહેનાર સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરનાર બને છે.
પશ્ચિમે રસ્તો હોય તો મધ્યમ ફળ આપનાર છે.
ઉત્તર બાજુ રસ્તો હોય તો જીવનમાં પ્રગતિકારક બને છે, તથા યશ-પ્રતિષ્ઠા અપાવનાર બને છે.
દક્ષિણબાજુ રસ્તો સારૂ ફળ પ્રદાન કરતો નથી વળી દક્ષિણ દિશા બાજુના રસ્તે વધુ અવર જવર રહેતી હોય તો વિશેષ નુકસાનકર્તા ગણાય છે.
પ્લોટની ઉત્તર તથા પશ્ચિમ બંને બાજુ રસ્તાઓ હોય તે મધ્યમ ગણાય તથા પ્લોટમાં રહેનારને મિશ્ર ફળ આપનાર બને છે.
ઉત્તર દક્ષિણ તરફના રસ્તા પણ મધ્યમ ગણાય છે. આ રીતે નીકળતા રસ્તાઓ એકબીજાના શુભા-શુભ ફળને તોડીને સામાન્ય પરિણામ આપનાર બને છે.
પૂર્વ તથા દક્ષિણમાં રસ્તા પણ મિશ્ર ફળ આપનાર બને છે.
દક્ષિણ તથા પશ્ચિમે બે રસ્તાઓ અશુભ ફળ આપે છે. તથા રહેનારને ધનહાનિ કરનાર બને છે. આ જગ્યાએ રહેનારને કારણ વિનાના કંકાસમાં ઉતરવાનું બને છે.
પૂર્વ તથા પશ્ચિમમાં બે રસ્તા હોય તો સુખ આપનાર ગણાય છે. આ જગ્યાએ રહેનાર વ્યક્તિ પારિવારીક રીતે ખૂબ સુખી થાય છે તથા સમયે-સમયે તેના ઘરમાં માંગલીક પ્રસંગો ચાલ્યા કરે છે. આ જાતક જીવનમાં અનેક રસ્તેથી ધન પ્રાપ્ત કરે છે.
ઉત્તર પશ્ચિમ તથા દક્ષિણમાં ત્રણ બાજુ રસ્તા મધ્યમ ફળ આપનાર બને છે.
જે પ્લોટની ઉત્તર તથા પૂર્વ બાજુએ રસ્તો હોય તો તેવા પ્લોટને ઉત્તમ ગણવો, પૂર્વ તથા પશ્ચિમ રસ્તો હોય તો સમૃદ્ધિદાયક ગણવો, આ પ્રકારના પ્લોટમાં રહેનાર ગણમાન્ય તરીકે પુજાય છે.
પૂર્વ પશ્ચિમ તથા ઉત્તરે રસ્તો હોય તો સારો જાણવો, જીવનમાં ઉત્તરોતર પ્રગતિ આપનાર તથા આબરૂ વધારનાર બની રહે છે. આ પ્રકારના પ્લોટમાં રહેનાર સારૂ સંતાન સુખ પ્રાપ્ત કરે છે.
પૂર્વ ઉત્તર, દક્ષિણે શુભ ગણવો. આ પ્રકારના પ્લોટમાં રહેનારને કાર્યસિધ્ધિ સાંપડે છે.
પૂર્વ પશ્ચિમ તથા દક્ષિણે રસ્તો હોય તો લાંબાગાળે નુકશાનકર્તા ગણવો, અંતે કુટુમ્બને વેરવિખેર કરનાર બને છે.
ચારેબાજુ રસ્તા હોય અને પ્લોટ ચોરસ કે લંબચોરસ હોય તો આવા પ્લોટને અતિ શુભ ગણવો. આવા પ્લોટમાં રહેવાનું ભાગ્યશાળીને જ નસીબ થાય છે તથા આ જગ્યાએ રહેનાર રાજમાં સ્થાન મેળવનાર અને યશસ્વી બને છે. સમયની સાથે-સાથે તેના જીવનમાં પ્રગતિ થાય છે.
આ ઉપરાંત કોઈ રસ્તો પ્લોટ પાસે આવીને અટકી જતો હોય તો તેનું શુભાશુભ ફળ પણ વિચાર માંગી લે છે. દા. ત. પશ્ચિમમાંથી વાયવ્ય દિશામાં
ઉત્તરમાંથી ઈશાનમાં
દક્ષિણમાંથી અગ્નિ દિશામાં
ઈશાનમાં પૂર્વમાંથી અંત પામતા રસ્તાઓ શુભ બને છે.
પૂર્વમાંથી અગ્નિમાં
ઉત્તરમાંથી વાયવ્યમાં
પશ્ચિમમાંથી નૈઋત્યમાં
તથા
દક્ષિણમાંથી નૈઋત્યમાં
અંત પામતા રસ્તા અશુભ ફળ આપનાર બને છે.
આ ઉપરાંત પ્લોટની પસંદગી કરતા પહેલા આજુબાજુની ભૌગોલિક સ્થિતિ બરાબર ચકાસી લેવી જરૂરી છે. જેથી ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય, બહુમાળી મકાનો, મંદિર, પીપરની જગ્યા, પુરાણી વાવ વગેરે જે જગ્યાએ હોય ત્યાં બાજુમાં પ્લોટની પસંદગી ન કરવી.
પ્લોટ લીધા બાદ સૌ પ્રથમ કામ આપણે બાંધકામનો નકશો બનાવવાનું કરીએ છીએ આપણને પ્રાપ્ત થયેલ જગ્યાના પરિણામોમાં આપણે સ્વપ્નનું ઘર ચણવાનું છે. દરેક વ્યક્તિ પોતાના ઘરબાબતે અતિ ઉત્સાહિત હોય છે. તે તેના ઘરએ દુનિયાનું સર્વાંગ સુંદર ઘર બનાવવા ઈચ્છતો હોય છે અને આ સુખનું ઘર સૌ પ્રથમ તેણે આર્કિટેકની મદદથી નકશા પર બનાવવાનું હોય છે. નકશો બનાવતી વખતે ફરી એક વખત દિશા તથા ખૂણાને ધ્યાનમાં રાખીને ક્યાં ચણતર વધારે કરવું કે ઓછું કરવું તે નક્કી કરી લેવું જરૂરી છે.
દક્ષિણ તથા નૈઋત્ય તરફ વધુ વજનવાળુ કે ભારે અને ઉંચું બાંધકામ કરવું હિતાવહ છે. દક્ષિણ નૈઋત્ય તરફની દિવાલ પણ ઉંચી તથા જાડી રાખી શકાય. આ દિશાને એવીલની દિશા કહેવામાં આવે છે. તેથી આ દિશામાં વધુ બાંધકામ કરવાથી રહેનારનું ખરાબ આત્માઓથી રક્ષણ થાય છે. ઈશાન ખૂણો પ્લોટનો પવિત્રમાં પવિત્ર ખૂણો છે તેથી આ ખૂણામાં શક્ય તેટલું ઓછું બાંધકામ કરવું હિતાવહ છે વધુ પડતુ બાંધકામ કરવાથી ઘરમાં સંકટ આવવાની શક્યતા રહે છે.
પશ્ચિમ દિશામાં પણ સારૂ એવું બાંધકામ કરી શકાય. પશ્ચિમ દિશામાં સુંદર બાંધકામ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. ઉત્તરમાં વધુ બાંધકામ કરવાથી ધન ધાન્યનો નાશ થાય છે. વાયવ્યમાં વધુ પડતું બાંધકામ રહેનારની માનસિક દશા પર ખરાબ અસર થાય છે. વળી જે મકાન બંધાઈ ચૂકયુ હોય તેમાં પણ જો વાયવ્ય દિશામાં પાછળથી વધુ બાંધકામ કરવામાં આવે તો ત્યાં રહેનારની માનસિક હાલત ખરાબ થતી જોવા મળે છે. માટે વાયવ્ય દિશામાં વધુ પડતું બાંધકામ ટાળવું જોઈએ. આ સિવાયની દિશામાં વઘતા ઓછા બાંધકામનું ફળ મધ્યમ ગણી શકાય.