પેનિસિલિન શું છે ?
પેનિસિલિન એક પદાર્થ છે. તેની શોધ સર એલેકઝાંડર ફ્લેમિંગ નામના વિજ્ઞાનીએ કરી છે. આ પદાર્થ માનવ-શરીરમાં રોગો ઉત્પન્ન કરતાં કેટલાંક સુક્ષ્મ જંતુઓને પ્રસરતા – ફેલાતા અટકાવવામાં ખૂબ જ શકિતશાળી હોવાનું તેને પ્રયોગો કર્યા પછી જણાયું હતું. ત્યાર પછી બીજા વિજ્ઞાનીઓએ પેનિસિલિન જથ્થાબંધ માત્રામાં મળી રહે તેવી પદ્ઘતિઓ વિકસાવી.
પેનિસિલિન ગઠ્ઠા-ફૂગ સ્વરૂપમાં પ્રથમ મેળવવામાં આવ્યું હતું. પેનિસિલિન સૂકા પાવડરના સ્વરૂપમાં સીલબંધ શીશીઓમાં મળે છે. સામાન્ય રીતે તેના સ્વરૂપમાં ફેરફાર થતો નથી, પરંતુ જો તેને ખુલ્લું રાખવામાં આવે, શીશી ખુલ્લી રાખવામાં આવે તો તે ભેજને ગ્રહણ કરે છે અને તેના ગુણ-શકિત નાશ પામે છે. તે કેટલાંક પ્રકારના બેકટેરિયા તથા બેસીલી (જંતુઓ) પર પ્રબળ અસર કરે છે. જયારે બીજા જંતુઓ પર તેની અસર થતી નથી. સૂકા પાઉડરના સ્વરૂપમાં તે ઝડપથી અને દૂર દૂર સુધી પ્રસરે છે. તેનો થોડો અંશ લેવાથી જ રોગનો નાશ કરે તેવો તે કોઇ ચમત્કારિક પદાર્થ નથી.
તે શરીરના માટે જરા પણ નુકસાનકારક નથી, એટલું જ નહીં પણ જો યોગ્ય રીતે તેનો ઉપયોગ કરવામાં આવે તો તે અદભુત પરિણામો લાવે છે, જયારે તેનો દુરુપયોગ નિરાશા લાવે છે. તેનું સાવ અલ્પ પ્રમાણ પણ ઘણું કામ આપે છે. પેનિસિલિન સક્રિય હોય ત્યાં તેની આસપાસ રહેલા જંતુઓ પર હુમલો કરીને તેમનો નાશ કરે છે. ટાંકણીના ટોપકાંના દસમા ભાગ જેટલો પેનિસિલિનનો જથ્થો તેને ૮૦,૦૦૦ વખત મંદ બનાવવામાં આવે તેમ છતાં તે જંતુઓનો નાશ કરે છે, એટલે કે આવા મંદ દ્રાવણના એક ટીપાંમાંથી દસ ટીપાંમાંથી દસ લીટર ઉપરાંત માપનું વાસણ ભરીને તેને ઉપયોગમાં લઇએ તો પણ તે અસર કરે છે. હ્રદય અને ફેફસાંની તકલીફમાં પણ પેનિસિલિન કામ આપે છે, ઉપચાર તરીકે તેનો ઉપયોગ થાય છે.