
૧૯૧૫નો ડિસેમ્બર હશે. મુંબઈમાં કૉંગ્રેસની બેઠક હતી. બાપુ પોતાના આશ્રમવાસીઓ સાથે સ્થાનિક મારવાડી વિદ્યાલયમાં ઊતર્યા હતા. હું બીજી જગ્યાએ ઊતર્યો હતો પણ ઘણોખરો વખત બાપુની પાસે ગાળતો. એક દિવસ તેમને ક્યાંક જવું હતું. મેજ પરની બધી વસ્તુઓ તેઓ સંભાળીને મૂકવા લાગ્યા. મેં જોયું કે તેઓ કંઈક શોધતા હતા અને કંઈક વ્યાકુળ જણાતા હતા. મેં પૂછ્યું, ‘બાપુજી, શું શોધો છો ?‘
‘મારી પેન્સિલ. નાનકડી છે.‘
એમનો સમય અને તકલીફ બચાવવા મેં મારા ખિસ્સામાંથી એક પેન્સિલ કાઢીને આપવા માંડી. બાપુ બોલ્યા, ‘ નહીં નહીં, મારી એ નાની પેન્સિલ જ મારે જોઈએ.‘ મેં કહ્યું ‘આપ આ પેન્સિલ લો, આપની પેન્સિલ હું શોધી રાખીશ. નાહક આપનો સમય બગડે છે.‘ એટલે બાપુ કહે, ‘એ નાની પેન્સિલ મારાથી ખોઈ ન શકાય. તમને ખબર છે, એ પેન્સિલ મને મદ્રાસમાં નટેશનના નાના દીકરાએ આપી હતી. કેટલા પ્રેમથી એ પેન્સિલ લાવેલો ! એ મારાથી કેમ ખોવાય !‘
પછી તો અમે બંનેએ મળીને એ અવળચંડી પેન્સિલની શોધ કરી. ક્યાંક સંતાઈ ગઈ હતી. એ મળી ત્યારે બાપુને શાંતિ થઈ. મેં જોયું કે બે ઈંચથીયે નાનો ટુકડો હતો. આટલી નાની પેન્સિલ પ્રેમપૂર્વક બાપુને આપનાર પેલા બાળકનું ચિત્ર હું મનમાં દોરવા લાગ્યો.
- કાકાસાહેબ કાલેલકર