
600 વર્ષો સુધી ગુજરાતની રાજધાની રહીને ગુજરાતને ગૌરવવંતુ કરનાર પાટણ ગુજરાતના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર છે. રાણકીવાવ, સહસ્ત્રલિંગ તળાવ અને હસ્તલિખિત ગ્રંથભંડારો જોતાં એક હજાર વર્ષના અતીતમાં સરી પડ્યા છે. એના પથ્થરે પથ્થરમાં ઈતિહાસના ધબકાર છે.
ગુજરાતના સુવર્ણયુગ સાથે સોલંકી રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક કાળે વિસ્તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના ધારા-અવંતી જેવી શ્રી, સરસ્વતી અને સંસ્કારલક્ષ્મીથી સમૃદ્ધ નગરીઓની સ્પર્ધા કરતું તે ભારતવર્ષમાં પ્રસિદ્ધ હતું. સરસ્વતી નદીને તટે વસેલું આ એક વખતનું મહાનગર પાટણ એક સમયે ગુજરાતની રાજધાની હતી. ઈ. સ. 746થી વનરાજ ચાવડાના સમયથી તે ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહ અને સોલંકીયુગના બલકે ગુજરાતની રજપૂત સત્તાના અંત સુધી વાઘેલાઓ વગેરે વચ્ચે વચ્ચે અન્ય સ્થળો બદલ્યાં છતાં પાટણ જ ગુજરાતની વાસ્તવિક રાજધાની રહ્યું હતું.
ગુજરાતને ‘ગુજરાત‘ નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્યું. પાટણ તેની સ્થાપના બાદ 14મી સદી સુધીનાં લગભગ 650થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું, એટલું જ નહિ, તે ગુજરાતનું રાજકીય અને વિદ્યાકીય ઉપરાંત સંસ્કૃતિનું કેન્દ્ર પણ હતું. સહસ્ત્રલિંગ તળાવને કાંઠે અનેક મઠો અને પાઠશાળાઓ હતાં. ભીમદેવ પહેલો, કર્ણદેવ, સિદ્ધરાજ અને કુમારપાળના શાસન દરમ્યાન તે સમૃદ્ધિની ટોચે હતું, ત્યારે પાટણનો ઘેરાવો 30 કિમી. જેટલો હતો. 84 ચૌટાં અને 84 ચોક હતા. તે વખતે પાટણની વસ્તી પણ ઘણી હતી.
અણહિલપુર-પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અનુશ્રુતિ પ્રમાણે વિ.સં. 802 (ઈ.સ. 746,28 માર્ચ)ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્થાપના કરી હતી. પંચાસરના રાજા જયશિખરીનું કલ્યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટોળી જમાવીને રાજ્યની સ્થાપના કરી અને અણહિલપુર-પાટણ વસાવ્યું. આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રજપૂતયુગના ઈતિહાસનો આરંભ થાય છે. આજે પણ, મૂળ પંચાસરના દેવાલયમાંથી લવાયેલી પારસનાથ ભગવાનની મૂર્તિ પંચાસરા પારસનાથને નામે ઓળખાતા પાટણના દેરાસરમાં જોવા મળે છે. તે દેરાસરના એક ગોખમાં વનરાજ ચાવડાની પુરાણી મૂર્તિ પણ છે. ગુજરાતના સામ્રાજ્ય અને સમૃદ્ધિનો સુવર્ણયુગ સોળે કળાએ પ્રકાશ્યો સિદ્ધરાજ જયસિંહના સમયમાં. તે સમયના અત્યંત વિસ્તૃત નગર પાટણની જાહોજલાલી અને શોભાનાં વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જળવાયેલાં છે. શ્રી કનૈયાલા મુનશીની વિખ્યાત નવલકથા ‘પાટણની પ્રભુતા‘, ‘ગુજરાતનો નાથ‘ અને ‘રાજાધિરાજ‘ ઉપરાંત તેની પહેલાંના ભીમદેવ સોલંકીના

સમયમાં મહમૂદ ગઝનીના આક્રમણની કથા રજૂ કરતી ‘જય સોમનાથ‘માં પાટણ કેન્દ્રમાં છે. એ સિવાય પણ સોલંકી કથા પર આધારિત નવલકથાઓમાં પાટણ કેન્દ્રવર્તી છે.
સોલંકીઓનું એ પાટણ અનેક મહાલયો-દેવાલયો-સ્થાપત્યોથી ભરપૂર હતું. પાટણમાં આજે પણ અનેક જૂના અવશેષો જોવા મળે છે – થોડાં વર્ષો પહેલાં જ જેનું ખોદકામ થયું ને તેનું અદ્દભુત સ્થાપત્ય તથા શિલ્પસમૃદ્ધિ પ્રગટ થયાં છે તે રાણકી વાવ. ‘રાણીની વાવ‘ તરીકે પણ જાણીતી ભીમદેવની રાણી ઉદયમતીએ બંધાવેલી આ વાવ તે પ્રકારનાં સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તેની દીવાલો-ગોખમાંની અદ્દભુત સૌંદર્યવાન શિલ્પાકૃતિઓ આશ્ચર્યકારક શિલ્પકલા પ્રત્યક્ષ કરે છે.
પાટણમાં આ ઉપરાંત અનેક સુંદર જિનાલયો જોવા મળે છે તથા ત્યાંના સમૃદ્ધ ગ્રંથભંડારોમાં હજારો પ્રાચીન હસ્તપ્રતો તેમજ પ્રાચીન ગ્રંથોની નકલો સચવાયેલી છે. શ્રી મુનશીના પ્રયત્નથી તેમજ અનેક દાતાઓની સહાયથી ત્યાં હેમચંદ્રસ્મારક થયું છે. તેમાં આધુનિક વ્યવસ્થાનો ઉપયોગ કરીને ઠેરઠેરથી હસ્તપ્રતો લાવીને સંઘરવામાં આવી છે. પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું કેન્દ્ર છે.
પાટણ નવો જિલ્લો બનતાં હવે પાટણ શહેર જિલ્લાનું મુખ્ય મથક છે. અહીંનો વિશ્વવિખ્યાત પટોળાંનો હાથવણાટનો ઉદ્યોગ હવે માંડ એક કુટુંબ જાળવી રહ્યું છે તો કાદંબરી જેવા કપરા સંસ્કૃત ગદ્યગ્રંથોનો જૂની ગુજરાતી ભાષાના પદ્યમાં કાવ્યમય અનુવાદ કરનાર અને પદો લખનાર લગભગ પંદરમી સદીના કવિ ભાલણનું નામ તો ‘ભાલણની ખડકી‘ એ નામ રૂપે જ રહ્યું છે. અહીંના સહસ્ત્રલિંગ તળાવના કાંઠા પરના શિવાલયો અને સંસ્કૃત પણ શાળામાં મહાન સંસ્કૃતિ વિદ્વાનોએ જે વિદ્યાગ્રંથો સર્જ્યા તે તો હવે અપ્રાપ્ય જ નહીં વિસ્મૃત પણ છે. જૈન સાધુઓ-હેમચંદ્ર ઉપરાંત રામચંદ્ર, ગુણચંદ્ર અને અન્ય ધર્મજ્ઞો-સાહિત્યજ્ઞોની કૃતિઓ ભંડારોમાં સચવાઈ રહી. અલાઉદ્દીન ખીલજીએ પાટણ ભાંગ્યા પછી અહમદશાહે પાટનગર બદલ્યું અને સાબરમતીને તીરે ‘અહમદાબાદ‘ (અમદાવાદ) વસાવ્યું ને પાટણનાં મહત્વ અને જાહોજલાલીનો અસ્ત થયો.