પાર્ટી મેકઅપ :
તમને પાર્ટીઓમાં જવાનો શોખ હોય તો આ વખતની ન્યુ યર પાર્ટીમાં તમે અવશ્ય હાજરી આપવાના જ હશો.પરતું કદાચ મનમાં એવો ડર પણ હશે કે ડાન્સ ફલોર પર પગ થનગનાવતા કયાંક ચહેરા પરનો મેકઅપ પસીના સાથે વહી તો નહીં જાય ને ? તમારા મનમાં આવો કંઈ ડર હોય તો હવે એ કાઢી નાખો, કારણ કે અમે દેશના જાણીતા બ્યુટિશિયનો પાસેથી કેટલાંક એવાં સૂચનો લઈને આવ્યાં છીએ, જે તમારા મેકઅપને આખી પાર્ટી દરમિયાન જાળવી રાખશે અને તમને તરોતાજા દેખાડશે.

(૧) મેકઅપની શરૂઆત સામાન્ય રીતે ફાઉન્ડેશનથી થતી હોય છે, પરંતુ પાર્ટીમાં જતી વખતે તમારો ઈરાદો નાચવાનો હોય તો સૌથી શ્રેષ્ઠરસ્તો ફાઉન્ડેશનને હાથ લગાડ્યા વિના ફકત કન્સિલરથી કામ ચલાવવાનું છે. જોકે એનો આધાર તમારી ત્વાચાની ગુણવત્તા પર પણ છે. જેમની ત્વચા પર વધારે ડાઘધબ્બા હોય તેમને વધુ જાડા મેકઅપ બેઝની જરૂર પડે છે. એવા કિસ્સામાં મેકઅપ બેઝ લગાડતાં પહેલાં ચહેરા પર બરફ ઘસો અથવા ફ્રિજનું ઠંડું પાણી છાંટો. એમ કરવાથી ત્વચાના રોમછિદ્રો બંધ થઈ જતા પસીનો ઓછો થાય છે અને મેકઅપ બગડવાની સંભાવના નહિવત્ રહી જાય છે. તમારું ફાઉન્ડેશન વોટરપ્રુફ હોય તો તમે ફાઉન્ડેશન લગાડ્યા બાદ ચહેરા પર બરફ ઘસી શકો છો.
(૨) મેકઅપ લગાડયા બાદ ચહેરા પર મેકઅપ ફિક્સિંગ સ્પ્રેનો ઉપયોગ કરવાનું ચૂકશો નહીં. મેકઅપ લગાડયા બાદ એકાદ ફૂટની દૂરીથી આવું સ્પ્રે ચહેરા પર છાંટવાથી મેકઅપ આખી રાત એવો ને એવો જ રહે છે.

(૩) તેમ છતાં પાર્ટીમાં કોઈ મુશ્કેલી સર્જાય તો તેનો ઉપાય કરવા તમારો કોમ્પેકટ પાઉડર, ઓઈલ- ફ્રી બ્લોટિંગ પેપર અને ફેસ પાઉડર પેપર પર્સમાં અવશ્ય સાથે રાખો. નાચતાં નાચતાં વચ્ચે બ્રેક લો ત્યારે આ બધાનો ઉપયોગ કરી ચહેરા પર ઊપસી આવેલું તેલ લૂછી નાખો. પાર્ટીમાં નાચતી વખતે આંખનો મેકઅપ તો મોટે ભાગે જેવો ને તેવો જ રહે છે, પરતું નુકશાન બ્લશર, લિપસ્ટિક અને ફાઉન્ડેશનને પહોંચવાની સંભાવના વધુ રહે છે. તેથી ટચઅપ કરવા માટે કાજલ, લિપગ્લોસ, કોમ્પેકટ અને બ્લશર સાથે રાખવાં વધુ યોગ્ય છે.
(૪) તમારો વિચાર આખી રાત પાર્ટીની મજા માણવાનો હોય તો અડધી રાતે આખો મેકઅપ લૂછી ફરી પાછો નવેસરથી કરવો. એમ કરવામાં થોડો સમય જરૂર જશે, પરંતુ તમે આખી રાત તરોતાજા લાગશો. વળી એમ કરતી વખતે તમારે આંખનો મેકઅપ લૂછવાની જરૂર નથી. માત્ર ફાઉન્ડેશન અને બ્લશરને ફરી પાછાં લગાડી દેશો તો કામ પૂરું થઈ જશે. છેલ્લે તમારે ફકત લિપસ્ટિક સરખી કરવાની રહેશે.