
ગીરનારની પરિક્રમામાં સંસારી ઉપરાંત સાધુ સંતો પણ પોતપોતાના સંઘમાં ફરતા હોય છે. આ સંતો પોતાની મસ્તીમાં ચાલ્યા જતાં જૉવા મળે. કોઇ જમાડે તો જમી લે અને જયાં જગ્યા મળે ત્યાં રાતવાસો કરી લે. આ સાધુ સંતો કહે છે ધર્મ સાથે વિજ્ઞાન જૉડાયેલું છે. આથી પરિક્રમાને તમે વિજ્ઞાનની દ્રષ્ટિ એ જુઓ ફકત ધર્મની નહીં. તો તમને ખરી માનસિક શાંતિ મળશે.
ભગવાન શરણદાસજી નામનાં સાધુએ જણાવ્યું કે, ગીરનારની પરિક્રમા તમે પગપાળા ચાલો એટલે જ સૌથી ઉત્તમ કસરત છે. તેમાં ઘોડી ચઢો એટલે શરીરને વધુ શ્રમ પડે. ફેફસા વધુ ઓકિસજન ખેંચે તેમાંયે આસપાસની વનસ્પતિ વાળી હવા તમારા ફેફસામાં જાય જેનાથી તમારૂ રૂધિરાભિસરણ તંત્ર મજબૂત બને. તરસ લાગે ત્યારે પાણી પીઓ જે ઝરણામાંથી આવતું હોય. તેમાં કુદરતી ક્ષારો અને કયારેક વનસ્પતિના મૂળનાં તત્વો ભળેલા હોય.
એ તમારી પાચનશકિત સારી બનાવે છે. ઓમ નમ: શિવાયનો જાપ કરો તો તમારા શ્વાસની એકલય બંધાઇ જાય. જે તમારી આસપાસ પોઝીટીવ મેગ્નેટીક ફિલ્ડ ઉભું કરે. વિજ્ઞાન શિક્ષકની અદાથી પરિક્રમાનું વિજ્ઞાન સમજાવતાં ભગવાન શરણદાસજી ને પૂછતાં તેઓ પૂર્વાશ્રમમાં ખરેખર વિજ્ઞાન શિક્ષક હોવાનું જણાવ્યું.
આમ, ગીરનાર ની પરિક્રમા એ માત્ર ધાર્મીક ઉપરાંત વૈજ્ઞાનિક મહત્વ પણ ધરાવે છે.