ગરમ થવાથી કાગળ ગૂંચળું કેમ વળી જાય છે?
દરેક સામાન્ય પદાર્થોમાં અમુક વત્તે-ઓછે અંશે પાણી રહેલું હોય છે. કાગળમાં રહેલો પાણીનો જથ્થો કાગળને વજનદાર બનાવે છે. ભીનો, ભેજવાળો કાગળ કેવો વજનદાર અને સહેજે વળી જાય અને પછી મૂળ આકાર પામે નહીં તેવો હોય છે, તે આપણે અનુભવથી જાણીએ જ છીએ.
કાગળને ગરમ કરવાથી આપણે તેની અંદર રહેલા પાણીને બહાર કાઢીએ છીએ. પાણી વરાળ થઇને હવામાં ભળી જાય છે. આમ થવાથી (પાણી નીકળી જવાથી) કાગળમાં અગાઉ જયાં પાણી હતું તે સ્થાન ખાલી થતાં તેનું સ્થાન હવાથી પુરાઇ જાય છે. આ હવા પાણી કરતાં હલકી હોય છે. આથી કાગળમાં તેનું ગૂંચળું વાળે તેવાં જે બળો હોય છે, તે હવે તેમ કરી શકે છે. અગાઉ કાગળમાં જે પાણીનું વજન હતું તેમને ઊંચકવું પડતું નથી.
તદુઉપરાંત બીજા પદાર્થોની જેમ કાગળ પણ ઠંડીથી સંકોચાઇ છે અને ગરમ કરવાથી વિસ્તરે છે, ફુલાય છે. આથી જો દરેક જગ્યાએ ઉષ્ણતામાનમાં વધારો સરખો જ થાય તો તેનું કદ બદલાય જાય છે, પણ આકાર બદલાતો નથી. પરંતુ કોઇ પદાર્થની એક બાજુને બીજી બાજુ કરતાં વધારે કે ઓછી ઠંડી કે ગરમી મળે તો તેનો આકાર બદલાય છે અને જો આ પદાર્થ પાતળો / સપાટ હોય તો તે વળી જાય છે. આમ હોવાથી કાગળના બધા હિસ્સાને સરખી ગરમી ન મળવાથી તે ગૂંચળું વળી જાય છે.