
ભક્તનો ભગવાન પ્રત્યેનો પ્રેમભાવ અપાર છે, તે પ્રભુને પ્રસન્ન કરવા માટે ફળ,ફૂલ, પાન જેવી પૂજા સામગ્રીનો ઉપયોગ તો કરેજ છે ઉપરાંત દહીં, દૂધ, સાકર, મધ, ઘી વગેરેમાંથી બનાવેલ પંચામૃતનો પણ ઉપયોગ કરે છે. આ પાંચ વસ્તુઓમાંથી બનાવેલ પંચામૃતનો ઉપયોગ ભગવાનને સ્નાન કરાવવામાં થાય છે. ભક્તની ભાવના ખૂબ જ સારી છે, ભગવાન શુધ્ધ તત્વોથી સ્નાન કરી પછી ભોજન કરવા બેસે તો સારી રીતે પેટ ભરીને ભોજન લઈ શકે, ભગવાનને પ્રસન્ન કરવા માટે ઉપયોગમાં લેવાતું, પાંચ જુદાં જુદાં તત્વોનું બનેલું પંચામૃત દરેક દેવના પૂજન માટે ઉપયોગમાં લેવાય છે. પછી તે શ્રી કૃષ્ણની પૂજા હોય કે ગણેશજીની બધા દેવોની પૂજા આ પંચામૃતાભિષેક વગર અધુરી ગણાય છે.
પ્રભુની પૂજા આ પંચામૃતાભિષેકની કરવામાં આવે છે. તેમાં દહીં, દૂધ, સાકર, મધ, ઘી વગેરે પ્રતિકના રૂપમાં વાપરવામાં આવે છે તેની પાછળ ઉચ્ચકક્ષાનો ભાવાર્થ રહેલો છે. જો આ ભાવાર્થને મનુષ્ય સાચા અર્થમાં સમજે તો તેણે કરેલી પૂજા સાચા અર્થમાં પૂજા ગણાય અને તેનું ફળ પણ તેને અવશ્ય મળે. પંચામૃતમાં ઉપયોગમાં લેવાતું દહીંનું ખાસ લક્ષણ છે. સ્નેહપૂર્ણ રહેવું આ દહિંને સગા-સબંધીઓ વિદેશ જાય છે, ત્યારે પણ આપવામાં આવે છે. વિદેશ ગયા પછી આપણા સંબંધીઓ આપણને ભૂલી ન જાય અને બંને વચ્ચેનું સ્નેહબંધન અતૂટ રહે તે માટે તેમને દહિં આપવામાં આવે છે. અહિં દહિં સ્નેહનું પ્રતિક છે. આપણે દહિંમાંથી બનેલી છાશનો દૂધમાં મેરવણ તરીકે ઉપયોગ કરીએ છીએ જેના કારણે દૂધનું દહીંમાં રૂપાંતર થાય છે, આમ, દહિંમાં સામાને પોતાના જેવા સ્નેહપૂર્ણ બનાવવાની ખુબી છે તેજ રીતે તેનું આચમન કરનાર સંબંધી પ્રદેશ જાય તો આપણી સંસ્કૃતિ, સંસ્કારોને ત્યાં ફેલાવી તેઓને પણ આપણા જેવા બનાવે. પંચામૃતાભિષેકમાં વપરાતું આ દહિં સામી વ્યક્તિને પરિવર્તીત કરવાની અજોડ શક્તિ ધરાવે છે. પંચામૃતમાં ઉપયોગમાં લેવાતુ દૂધ એ નિર્મળતાનું પ્રતિક છે. તે ચારિત્ર્યની શુધ્ધતા દર્શાવે છે. આપણા કર્મો પવિત્ર હોવાં જોઈએ, તેમાં કોઈપણ પ્રકારના વિકારોનો દોષ રહેવો જોઈએ નહિ. દૂધ આપનારી ગાયને ભારતીય સંસ્કૃતિએ કામધેનું તરીકેનું ઉચ્ચસ્થાન આપ્યું છે. કામધેનું એટલે તેની પાસેથી જે કંઈ માંગીએ તે બધુ આપનારી દૂધ મહાનતાનું પણ પ્રતીક છે. આ પવિત્ર દૂધ ઢોળાય જાય તો તેને અપશુકન માનવામાં આવે છે, આની પાછળ એવો ભાવાર્થ રહેલો છે કે ઈશ્વરીય અવતારો કે મહાન માણસોએ આપેલા માર્ગદર્શક વિચારોને એક કાને સાંભળીને બીજા કાને ભૂલી જવા જોઈએ નહિ. પંચામૃતમાં ઉપયોગમાં લેવાતી સાકર મધુર જીવનનું પ્રતિક છે. મનુષ્ય પાસે અઢળક ધન-સંપત્તિ હોય તેમ છતાં તેના જીવનમાં કડવાશ હોય તો જીવનનો કોઈ અર્થ નથી. જીવનમાં મીઠાશ હોવી જરૂરી છે. માણસે પોતાના જીવનમાંથી કડવાશ દૂર કરી સાકર જેવા મીઠા બનવું તેમ આ સાકરનું પ્રતિક આપણને બોધ આપે છે.
પંચામૃતાભિષેકમાં વપરાતું મધ પણ સાકરની જેમ મીઠાશનું પ્રતિક છે, પરંતુ તેમાં જોડો તફાવત છે, મધ મીઠાશ ધરાવે છે પરંતુ તેની મીઠાશ શક્તિદાયક છે, માણસમાં મીઠાશ સાથે સાર્મ્થય પણ હોવું જોઈએ, અને તો જ જીવન સંગ્રામમાં ઉભા થતાં પડકારોનો યોગ્ય રીતે સામનો થઈ શકે.
ભગવાન પંચામૃતાભિષેકમાં સ્થાન પામેલું ઘી કોમળતા એટલે કે સ્નિગ્ધતા તેમજ સ્નેહાળતાનું પ્રતિક છે. બાળક ગમે તેટલું અપ્રસન્ન હોય અને રડતું હોય પણ જયારે તેને માતાની હૂંફ મળે છે, તે તરત જ રડતું બંધ થઈ જાય છે. પરિવારના દરેક સભ્યો વચ્ચે હુંફનું અસ્તિત્વ હોય તો તે પરિવાર કમળની જેમ ખીલેલું રહે છે, અને આવો પરિવાર પૂર્ણ રીતે વિકાસ સાધી શકે છે.
આમ, પંચામૃતમાં રહેલી લાક્ષણિકતાઓની સાચી સમજ કેળવી આપણે ભગવાનને પંચામૃતાભિષેક કરાવીએ તો આપણી પૂજા સફળ થઈ જાય.