રાત કરતાં સવારમાં શું આપણા શરીરની ઊંચાઇ વધુ હોય છે?
આ પ્રશ્રનો જવાબ જાણવા માટે આપણી કરોડરજ્જુની રચના કેવી છે તે જાણવું જરૂરી છે. આ કરોડરજ્જુ અનેક હાંડકાની કે મણકાની બનેલી છે. દરેક હાડકાં કે મણકાંની વચમાં કોમળ-અસ્થિ અથવા કૂર્ચા (CARTILAGE) ની બનેલી એક થાળી (DISC) હોય છે. શરીરના હલનચલનથી લાગતા આંચકા કે થડકાને કે આઘાતને હળવો કરવામાં આ DISC ઉપયોગમાં આવે છે.
આપણે કલાકો સુધી ટટ્ટાર સ્થિતિમાં રહીએ તેથી શક્ય છે કે, આપણા શરીરનું વજન આ થાળી ઉપર દબાણ કરતું હોય અથવા થાળી દબાતી હોય તેથી આવું દબાણ આ મણકાઓને ભીંસ આપીને ચપટાં બનાવતું હોય અને તેના કારણે શરીરની ઊંચાઇ નહિવત્ ઓછી થતી હોય છે.
રાત્રિ દરમ્યાન આપણે સૂઇએ ત્યારે આ DISC સ્થિતિસ્થાપક હોવાથી પોતાની મૂળ સ્થિતિ પાછી પ્રાપ્ત કરી લેતી હોય તેમ માની શકાય અને તેથી આપણી કરોડરજ્જુ તે દરમિયાન પૂરેપૂરી લંબાય છે, લાંબી થાય છે. આવું થવાથી રાત્રિ કરતાં આપણી ઊંચાઇ સવારમાં સહેજ વધુ હોય છે એમ મનાય છે.
જો કે સવારમાં ને રાતમાં આપણા શરીરની ઊંચાઇનો આવો તફાવત સાવ નજીવો હોવો જોઇએ.