
આસોમહિનામાં આવતી નવરાત્રી દરમ્યાન શકિતની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ મહોત્સવ પાછળ એક પૌરાણિક પણ કથા છે. મહિષાસુર નામનો એક અસુર માનવો અને દેવો ઉપર ભારે અત્યાચાર કરી રહ્યો હતો. જેનાથી સમાજમાંની દેવી આચાર, વિચાર ક્ષીણ થઈ રહ્યા હતા. સત્યને બદલે અસત્યનો જય થઈ રહ્યો હતો. મહિષાસુરના અત્યાચારોથી ત્રાહિમામ પોકારી ગયેલા દેવો બ્રહ્મા, વિષણુ અને શંકરના શરણે આવે છે. દેવોને મહિષાસુરરૂપી મહાઆમત્તિમાંથી બચાવવા ત્રણેય દેવો સાક્ષાત શકિતનો અવતાર જગદંબાને ઉત્પન્ન કરે છે અને પોતાના શક્તિશાળી શસ્ત્રો તેને અર્પણ કરે છે નવ દિવસના મહાભયંકર યુધ્ધના અંતે દેવી જગદંબા મહિષાસુરનો નાશ કરે છે, દેવોને તેના ત્રાસમાંથી છોડાવે છે અને સાંસ્કૃતિક મૂલ્યોની પુનઃસ્થાપ્ના કરે છે.
દેવી જગદંબાના મહિષાસુર સાથેના નવ દિવસના મહાયુધ્ધને આપણે નવરાત્રી તરીકે ઉજવીએ છીએ અને દૈવી શકિતઓની પૂજા-અર્ચના કરીએ છીએ. પરંતુ વર્તમાન સમયમાં આપણે ભૌતિક મહિષાસુર નહિ પરંતુ આપણા માનસપટમાં ઘુસી ગયેલા મહિષાસુરરૂપી રાગ, દ્રેષ, ઈર્ષા, મોહ,માયા, અભિમાન વગેરે તત્વોને ઓળખવાના છે અને દેવી જગદંબાની આરાધના કરી આ તત્વોને આપણામાંથી હાંકી કાઢવા માટે તેમની પાસે શકિત માગવાની છે.
આ નવરાત્રી મહોત્સવ શકિતની ઉપાસના માટે પણ જાણીતો છે, જો મનુષ્યમાં શકિત હશે તો સમાજને સત્યના માર્ગે લઈ જઈ શકાશે. અહિં શકિતના ગુણગાન એટલા માટે જ ગાવામાં આવ્યા છે. શકિતહિન નિર્બળ મનુષ્યથી કશું થઈ શકતું નથી. સત્કર્મો કરવા માટે પણ શકિત તો જોઈએ.
આપણા પૌરિક ગ્રંથોમાં પણ અનેક પ્રસંગોએ શકિતનો મહિમા વર્ણવ્યો છે. મહાભારતમાં મહર્ષી વેદવ્યાસે અર્જુનને દિવ્ય શસ્ત્રની પ્રાપ્તી માટે છેક સ્વર્ગમાં જવાનું જણાવ્યું હતું. તેમણે પાંડવોને પણ કહ્યું હતું કે તેઓ શકિતશાળી બને માત્ર્ નીતિમત્તાવાળા નિર્બળ મનુષ્યોથી ધર્મનું રક્ષણ થઈ શકે નહિ. ઋષિ વિશ્વામિત્રે પણ શકિત મેળવવા તપ કર્યુ હતુ અને ઇન્દ્રે જેના સ્વર્ગ પ્રવેશનો ઈન્કાર કર્યો હતો તેવા ત્રીશંકુ માટે નવા સ્વર્ગની રચના કરવા માટેની શકિત પ્રાપ્ત કરી હતી. આપણા ઋષિમુનિઓ પણ તપમાં સતત લીન રહેતા, ખુદ દેવાધિદેવ મહાદેવ પણ તપમાં મગ્ન રહેતા, હકિકતમાં આ બધા દૈવી શકિત મેળવવા જ શકિતની આરાધના કરતા અને તે પ્રાપ્ત કરતા આવો ખુબજ ઉંચો મહિમા ધરાવતી દૈવી શકિતની આપણે પણ નવરાત્રીના નવ દિવસો દરમ્યાન પૂજા અર્ચના કરવી જોઈએ અને માતા જગદંબાને વિનંતી કરવી જોઈએ કે અમારામાં ઘર કરી ગયેલા રણ દ્વેષો તેમજ અન્ય દોષો ત્યાગવાની અમને શકિત આપ, અમને એવી સદબુધ્ધિ આપ કે જેથી અમે સૌ સહકારનો ભાવ કેળવી શકીએ અને સમાજના વિકાસમાં અમારું યોગદાન આપી શકીએ.