
બધા અવતારોમાં મનુષ્ય અવતારને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે., કારણકે ઈશ્વરે તમામ પ્રાણીઓમાં માનવમાં વધુંમા વધુ બુધ્ધિ અને સમજશકિતનું નિરુપણ કર્યુ છે. આ સાથે તેની ઉપર જવાબદારીનું ભારણ પણ વધુ છે. પૃથ્વી ઉપર વસતા બીજા પ્રાણી, પશુ, પક્ષીઓ તેમજ જીવજંતુઓ તરફ દયાભાવ દાખવવાનો છે. પોતાની શકિતઓનો દુરૂપયોગ કરવાનો નથી. ઈશ્વરે પોતાને જે રીતે આ ધરતી ઉપર એક સામાજીક પ્રાણી તરીકે મોકલેલ છે તેજ રીતે અન્ય જીવ સૃષ્ટિને પણ મોકલેલ છે. માટે પ્રાણી માત્ર તરફ આત્મીયતા કેળવવી જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં પણ પ્રાણીમાત્ર તરફ પ્રેમભાવ અને માનવતા કેળવવાનું જણાવાયું છે.
ભારત વર્ષની મહાન સંસ્કૃતિએ માત્ર માનવના જ નહિ પશું પક્ષી સર્વના ગુણગાન ગાયા છે. રામભકત હનુમાન એકવાનર હતા. રાવણ સામેના યુધ્ધમાં રામને સાથ આપનાર જાબૂવંત એક રીંછ હતું, સીતાજીને વનમાંથી બળજબરીથી લઈ જતાં રાવણને અટકાવવાની કોશિષમાં મૃત્યુને શરણ થનાર જટાયુ એક પક્ષી હતું. આપણી સંસ્કૃતિએ ગાયને માતા તરીકેનું પૂજનીય સ્થાન આપ્યું છે. સાથેસાથે વટ-સાવિત્રીના દિવસે વડલા જેવા વૃક્ષની પૂજા કરવા પણ જણાવ્યું છે. બિલ્લી વૃક્ષના પાન
શિવજીને પણ પ્રીય છે.
પ્રાણી, પશુ, ઝાડ પાનનો મહિમા ગાતી આપણી મહાન સંસ્કૃતિએ શ્રાવણ મહિનામાં નાગપંચમી ઉજવવા જણાવ્યું છે. અહિં સામાન્ય પ્રશ્ન ઉદભવે કે નાગ આપણને શું ઉપયોગ થાય છે તો વળી આપણે તેની પૂજા કરવી પડે? તેના કરડવાથી તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે તો તેની પુજા કેવી ? પરંતુ આર્ય સંસ્કૃતિની શરૂઆત જ નદી કિનારે થઈ. આર્યોના મુખ્ય વ્યવસાય જ ખેતીવાડી હતો. આર્યો કૃષિ પાછળ મહેનત પણ બહુ કરતા પરંતુ તેઓના પાકને ઉંદર, જીવજંતુ વગેરે ખુબ જ ત્રાસ ફેલાવતા અને કૃષપાકનો નાશ, કરતા, પરંતુ નાગ આ ઉંદરો અને જીવજંતુઓને પોતાનો શિકાર બનાવતા પરિણામે આર્યોનો કૃષિ પાક બચી જતો. નાગ સમુદાય તરફથી કરવામાં આવતો આ ઉપકાર નાનોસુનો ન હતો. ત્યારથી નાગને ક્ષેત્રપાળ તરીકે ઓળખવામાં આવ્યો અને તેની પૂજા શરૂં કરવામાં આવી. આ ઉપરાંત જીવમાત્રને સન્માન આપવાની આપણી પરંપરાને કારણે પણ આર્યોને નાગની પૂજા કરવા તરફ પ્રેર્યા. નાગ વિશે આપણે એક પૂર્વગ્હ ધરાવીએ છીએ કે તે આપણને કરડે છે, પરંતુ હક્કિતમાં જયાં સુધી નાગને પરેશાન કરવામાં ન આવે ત્યાં સુધી તે માણસને કરડતો નથી. જો નાગ શ્રેષ્ઠ ન હોત તો ભગવાન વિષ્ણુએ તેને પોતાની શૈયાનું સ્થાન આપેલ ન હોત. આપણા પૈરાણિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે કે જયારે દેવો દાનવોએ સમુદ્રમંથન હાથ ધરેલું ત્યારે સમુદ્ર્ને વલોવવા માટે વાસુકિ નાગે જ મદદ કરી હતી. આ જે નાગ પંચમીના દિવસે આપણે પ્રણ લઈએ કે જયારે પણ નાગ જોવા મળશે, પછી તે ઘરમાં હોય કે ખેતરમાં હોય, આ મહિમામય નાગને મારવાનો પ્રત્યન નહિ કરીએ અને તેની પૂજા કરી નાગપંચમીને સાર્થક કરીશું.