
સમાજને આજે અનેકવાર નર-નારીઓનાં સમર્પણની આવશ્યકતા છે, જેઓ પોતાના જીવન થકી વિશુદ્ધ અને નિર્મળ ચારિત્ર્યનો સંદેશ ફેલાવી શકે. આવાં ચારિત્ર્યો સંગઠિત થાય તો દેશવાસીઓ સમક્ષ એક સાચું ઉદાહરણ બેસી શકે. આવું થાય તે મુશ્કેલ તો છે, પણ અશક્ય નથી જ. ભારે અંધાધૂંધીમાં પણ હું હિન્દુસ્તાનમાં આવાં ચારિત્ર્ય-તારલાઓને જોઈ રહ્યો છું. મારાં ભારતનાં સ્વપ્નને આવા તારલાઓનો સહયોગ અને સંયોજન જ સાકાર કરશે અને તે સિવાય દેશની પ્રગતિનો કોઈ બીજો રસ્તો નથી એ પણ અહીં નોંધી લેવું ઘટે. આ સત્યને આપણા દેશવાસીઓ જેટલું વહેલું સમજે તેટલું દેશનું શુભ થશે. તેથી, આપણે ઈશ્વરની ઈચ્છાને સમજવાનો યત્ન કરતાં આપણો જીવનધર્મ બજાવવો રહ્યો.
માતૃભાષા અને વિશ્વભાષા
હું મારા ઘરની આસપાસ દીવાલ ચણી લેવા તથા મારી બારીઓ બંધ કરી દેવા નથી માગતો. મારા ઘરની આસપસ સઘળા દેશોની સંસ્કૃતિના પવનની લહેરીઓ છૂટથી વાતી રહે એમ હું ઈચ્છું છું. પણ પવનની એવી કોઈ લહેરી દ્વારા જમીનથી અધ્ધર થઈ જવાનો હું ઈનકાર કરું છું. સાહિત્યમાં રસ ધરાવતાં આપણા તરૂણ સ્ત્રી-પુરુષો અંગ્રેજી ભાષા તેમ જ બીજી વિશ્વભાષાઓ પેટ ભરીને શીખે એમ હું ઈચ્છું છું. અને પછી તેઓ જગદીશચંદ્ર બોઝ, પ્રફુલ્લચંદ્ર રોય અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની પેઠે પોતાના અભ્યાસનો લાભ હિંદને તથા દુનિયાને આપે એવી તેમની પાસેથી અપેક્ષા રાખું છું. પરંતુ એક પણ હિંદવાસી પોતાની માતૃભાષાને ભૂલે, તેની અવગણના કરે કે તેનાથી શરમાય અથવા પોતાની માતૃભાષામાં પોતે વિચાર કરી શકતો નથી કે પોતાના વિચારો સારામાં સારી રીતે દર્શાવી શકતો નથી એમ તેને લાગે, એમ હું ઈચ્છતો નથી.