
ભક્ત મંદિરમાં જાય છે. ભગવાનની મૂર્તિને દૂધ, ફૂલહાર ચડાવે છે, અને બે હાથ જોડીને તેની પૂજા યાચના કરી ભગવાનનું સાક્ષાત સ્વરૂપ માનીને પોતાની ઈચ્છા મુજબનું વર તેની પાસેથી માગે છે, પરંતુ ટીકાકારો ભગવાનના ભક્તની આવી ચેષ્ટા સામે હશે છે કે પથ્થરની મૂર્તિને ભગવાન માનવી તે તો સૌથી મોટી મૂર્ખતા છે. વળી આવી ટીકા કરનારને વધુ બૌધ્ધિક ગણવામાં આવે છે. પરંતુ ભગવાનની સુંદર મૂર્તિને આપણે પૂજા-પઠ કરીએ, તેને જોઈને આપણા દુઃખ દૂર કરનાર કોઈ ચેતન અસ્તિત્વ ધરાવે છે. તેવી મનમાં અનુભૂતિ થાય, આપણને જીવનના પડકારો સામે લડવાની હિંમત મળે તો તે મૂર્તિમાં ભગવાન છે કે તે માત્ર પથ્થરની છે. એ બાબતનું કોઈ મહત્વ ખરૂં ? આપણે કશું પ્રાપ્ત કરવું હોય તો માધ્યમતો બનાવવું જ પડે, અને જો સાકાર મૂર્તિને માધ્યમ બનાવી નિરાકાર ઈશ્વર પસે જવાતું હોય તો તેમાં ખોટું શું છે ? ટુંકમાં જો ઇશ્વર નિરાકાર હોય તો પણ તેનું ધ્યાન ધરવા માટે આપણી સમક્ષ કશુંક તો સાકાર હોવું જોઈએ ને.
હક્કિતમાં ભગવાનની મૂર્તિને ભગવાનનું જ સ્વરૂપમાની પ્રતિક તરીકે ઉપયોગમાં લેવાતી મૂર્તિમાં ઈશ્વરની સાધના કરતા ભક્તની એક પ્રકારની ભાવના જ વ્યકત થાય છે. આ તત્વજ્ઞાન સમજાય જવાનું હોય શ્રીમદ્ ભાગવત્ માં છે. એકવાર ઉદધવજીએ કૃષ્ણઘેલી ગોપીઓને કૃષ્ણનો મોહ છોડવા અને તેના તાત્વીક સ્વરૂપનું પૂજન કરવા જણાવ્યું, પરંતુ ગોપીઓએ ઉદધવજીને જણાવ્યું કે સમગ્ર બ્રહ્માંડમાં દરેક મનુષ્ય, પ્રાણી, પક્ષી, જીવનમાં વ્યાપેલ કૃષ્ણ અમારે જોઈતો નથી, અમને તો અમારી કૃષ્ણ જોઈએ છીએ, ઈશ્વર તાત્વીક અને નિરાકાર હોય તોપણ તેના પ્રતિક સમાન રહેલી મૂર્તિ ઈશ્વર અને આપણી વચ્ચે જોડતી કડી તો છે જ. આ રીતે ભગવાનના મંદિરમાં રહેલી મૂર્તિ એક મહાન શક્તિ છે પરંતુ આ મૂર્તિમાં જ ભગવાન છે અને માત્ર તેની પૂજા અર્ચના કરવામાં જ બધુ આવી જાય છે, તેના સિવાય મનુષ્યનું ચારિત્ર્ય, કર્મો વગેરેનું કોઈ મહત્વ નથી તે રીતે માત્ર આડંબરયુક્ત રીતે મૂર્તિની પૂજા કરવામાં આવે છે એ પણ ખોટું છે. હક્કિતમાં આ રીતની પૂજા તે મૂર્તિનું જ નહિ, ખુદ ભગવાનનું પણ અપમાન છે. જયારે બીજીબાજુ લોકોની ભાવનાને સમજયા વગર મૂર્તિને માત્ર એક પથ્થરમાંની તેનો વિરોધ કરવામાં પણ કોઈ બુધ્ધિમતા નથી.
ભગવાનની મુર્તિની પૂજા કે તેના નિરાકાર સ્વરૂપનું પુજન, બંને વસ્તુ માનસશાસ્ત્રીય છે. વ્યક્તિની ભાવના કેવી છે તે બાબત જ અગત્યની છે. એક મૂર્તિ ભગવાન માટે ભવસાગર તરવાનું માધ્યમ હોઈ શકે, એક કલાકાર માટે શિલ્પકળાનો નમૂનો પણ હોઇ શકે, ચિત્રકાર માટે ચિત્ર હોઈ શકે જયારે નાના બાળક માટે એક રમકડું પણ હોઈ શકે. આ મૂર્તિને શંકરાચાર્ય જેવી વિભૂતિએ ભગવાનનું સ્વરૂપ માની તેની પૂજા કરી છે, જયારે અલ્લાઉદીન ખીલજી જેવાએ તેનું ખંડન કરવામાં પણ કોઈ હિચકિચાટ અનુભવ્યો નથી.
આપણે જીવનમાં સતકર્મો કરી, જીવનને નિર્મળ અને પવિત્ર બનાવી પછી ભગવાનની મૂર્તિ પાસે જઈને બે હાથ જોડી તેને વિનંતી કરીએ હે ભગવાન તુ મને તારા નિરાકાર સ્વરૂપ પાસે લઈ જા.